• મંગળવાર, 28 ઑક્ટોબર, 2025

પુણેનાં ઐતિહાસિક શનિવાર વાડામાં પઢાઈ નમાઝ : વિવાદ, વિરોધ અને શુદ્ધિકરણ વીડિયો વાયરલ બન્યા બાદ ભાજપ સાંસદ અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર પ્રદર્શન

નવી દિલ્હી, તા.21: મહારાષ્ટ્રમાં પુણેનાં ઐતિહાસિક શનિવાર વાડામાં મુસ્મિલ મહિલાઓએ નમાઝ અદા કર્યાનો વીડિયો વાયરલ બન્યા પછી ભારે મોટી બબાલ થઈ ગઈ છે. હિન્દુ સંગઠનો દ્વારા આ વીડિયો વાયરલ થયા પછી રવિવારે ભારે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ભાજપ સાંસદ મેઘા કુલકર્ણીએ આગેવાની લઈને આ સ્થાનનું શુદ્ધિકરણ કરતાં ગૌમૂત્રનો છંટકાવ અને શિવ વંદના કરી હતી.

ભાજપ સાંસદ કુલકર્ણીએ શનિવાર વાડામાં નમાઝનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો અને આની સામે કડક કાર્યવાહની માગણી કરી હતી. તેમણે આ ઘટનાને ઐતિહાસિક ધરોહરનું અપમાન ગણાવતાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન પણ કર્યું હતું.

વિડીયોમાં શનિવાર વાડાનાં ઉપલા માળે છ-સાત મુસ્લિમ મહિલા ચટાઈ પાથરીને નમાઝ પઢતી દેખાઈ રહી છે. જ્યારે તેમની આસપાસ બાળકો અને પર્યટકો ફરી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં ઉગ્ર ચર્ચા છેડાઈ ગઈ હતી અને વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણનાં અધિકારી દ્વારા પોલીસમાં આની ફરિયાદ પણ દાખલ કરાવી છે.

આ ઘટના બાદ રવિવારે ભાજપ સાંસદ કુલકર્ણી સેંકડો લોકો સાથે શનિવાર વાડા પહોંચી ગયા હતાં અને આમાં પતિત પાવન સંગઠન, હિન્દુ સકલ સમાજ પણ જોડાયા હતાં. તેમણે નમાઝનાં સ્થાનનું શુદ્ધિકરણ કર્યું હતું. હિન્દુ સંગઠનોનાં કાર્યકરોએ શનિવાર વાડાની બહાર સ્થિત હજરત ખ્વાજા સૈયદ દરગાહ પાસે પણ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે બળપ્રયોગ કરીને તેમને અટકાવી લીધા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક