કોલકાતા, તા. 9 : અહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એસઆઈઆરની આડમાં મતદારોનાં ખોટી રીતે નામ દૂર કરાયાં હોવાના વિરોધમાં આજે ચોથા દિવસે ધરણા જારી રાખીને ભાજપ તથા તેના સમર્થકો પર આરોપ લગાવતાં કહ્યું કે, તેમને જનતા સમર્થન આપતી નથી, તે વોટચોર છે અને એજન્સીઓનો ખોટો ઉપયોગ કરે છે.
તેમણે વડાપ્રધાન મોદીની 14મી
માર્ચે કોલકાતામાં યોજાનારી રેલીના પેમ્ફ્લેટનું વિતરણ ધરણા સ્થળે ભાજપના લોકો અને
સમર્થકોએ કર્યું હોવાનું જણાવી ભાજપ પર પ્રહાર કર્યા હતા અને ટીએમસી કાર્યકરોને કહ્યું
હતું કે, પેમ્ફ્લેટનું વિતરણ કરતા લોકોને પકડીને પોલીસના હવાલે કરી દ્યો.
બીજી તરફ મમતાએ રાજ્યમંત્રી શશી
પાંજાને પણ નિર્દેશ આપ્યો હતો કે આ મામલે તેઓ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવે. તેમણે એવો
પણ દાવો કર્યો હતો કે, જે પેમ્ફલેટનું વિતરણ કરવાવાળા હતા તેમની પૂછતાછ થતાં ભાગી ગયા
હતા. આ ધરણા દરમ્યાન તેમણે રવીન્દ્ર સંગીતની ટીમ સાથે ગીત પણ ગાયું હતું.