નવીદિલ્હી,તા.8: પશ્ચિમ એશિયામાં ચાલતા ભૂરાજકીય સંકટ અને વૈશ્વિક આપૂર્તિ શૃંખલામાં આવેલા વિક્ષેપો વચ્ચે સરકારે નિકાસકારોને રાહત આપવાનું નક્કી કર્યુ છે. જેનાં માટે સરકાર તરફથી કેટલીક ઘોષણાઓ કરવામાં આવી છે. ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણ બાદ પડકારજનક માહોલમાં નિકાસકારો અસમંજસની સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. તેમને ભારે નુકસાનથી બચાવવા માટે વાણિજ્ય અને શિપિંગ મંત્રાલયે તેમનાં માટે અનુપાલનની સમય મર્યાદા વધારવા અને બંદરો ઉપર ડયૂટીમાં છૂટ આપવા સહિતનાં નિર્ણય લેવાયા છે.
અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાનમાં
હુમલો અને તેમાં ઈરાનનાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં
રાજકીય સાથે વેપારી માહોલ પણ તંગ બની ગયો છે. આ યુદ્ધને પગલે સમુદ્રી અને હવાઈ માર્ગેથી
માલ પરિવહન મોંઘું થયું છે. આ સાથે જ વિમા કંપનીઓએ પણ પ્રિમિયમ વધારી દીધું છે. જો
આ સ્થિતિ લાંબો સમય માટે ખેંચાઈ જાય તો વૈશ્વિક બજારમાં મોંઘવારીની ભીતિ છે.
આ સ્થિતિમાં નિકાસકારોની માગણીઓને
ધ્યાને રાખીને વિદેશ વેપાર મહાનિદેશાલય (ડીજીએફટી)એ કેટલાક મહત્વનાં પગલાં ભર્યા છે.
જેમાં ઓથોરાઈઝેશનની સમયસીમા 1 માર્ચથી વધારીને 3 મે કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત
ઈપીસીજી સ્કીમનો લાભ આપવામાં આવ્યો છે. તો બીજીબાજુ શિપિંગ મંત્રાલયે બંદરો માટે જારી
કરેલા નિર્દેશ અનુસાર વર્તમાન સંજોગોને ધ્યાને રાખીને વિસ્તૃત એસઓપી લાગુ કરી છે. જેમાં
ડયૂટીમાં ઘટાડો અને છૂટ, સમસ્યાઓનાં ફાસ્ટ ટ્રેક સમાધાન, સ્ટોરેજ અને પ્રાયોરિટી હેંડલિંગ,
કસ્ટમ સાથે સમન્વય સહિતનો સમાવેશ થાય છે.