-જય શાહ અને અજીત અગરકરનો પણ આભાર માન્યો
અમદાવાદ,
તા.9 : ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે ત્રીજો ટી-20 વિશ્વ કપ ખિતાબ પૂર્વ કોચ રાહુલ
દ્રવિડ અને બીસીસીઆઇના સેન્ટર ઓફ એક્સિલેન્સ (સીઓઇ)ના વડા વીવીએસ લક્ષ્મણને સમર્પિત
કર્યો હતો. આ તકે ગંભીરે રાષ્ટ્રીય ટીમ તૈયાર કરવાની તેમની ભૂમિકા સ્વીકારી હતી અને
પ્રશંસા કરી હતી. રવિવારે રાત્રે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 96 રને સજ્જડ હાર આપી ટીમ
ઇન્ડિયા કિંગ ઇન્ડિયા બની હતી. કોચ ગંભીરે આઇસીસી ચેરમેન જય શાહની પ્રશંસામાં કહ્યું
તેમણે મુશ્કેલ સમયમાં સમર્થન કર્યું.
પત્રકાર
પરિષદમાં કોચ ગંભીરે જણાવ્યું કે સૌથી પહેલા આ ટ્રોફી રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને
સમર્પિત કરવી છે કારણ કે દ્રવિડે ભારતીય ક્રિકેટની સારી હાલતમાં પહોંચાડયું છે. હું
આ માટે તેમને ધન્યવાદ આપું છું જ્યારે વીવીએસ લક્ષ્મણે કોઈપણ શરત વિના ભારતીય ક્રિકેટ
માટે એટલું બધું કર્યું અને તે પણ બંધ દરવાજાની અંદર, કારણ કે સીઓઇ ભારતીય ક્રિકેટનું
પાઇપલાઇન છે. કોચ ગંભીરે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની પણ પ્રશંસા કરી હતી. ગંભીરે
કહ્યું તેને ઘણી ટીકાઓ સહન કરવી પડી પણ ઈમાનદારીથી કામ કર્યું. તેમણે કેટલાક કઠિન ફેંસલા
પણ લીધા. જેમાં રોહિતની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા છતાં શુભમન ગિલને વન ડે
કેપ્ટન્સી આપવાનો નિર્ણય સામેલ છે.
સ્વદેશી
અને વિદેશી ટેસ્ટ શ્રેણીની હાર પર કોચ ગંભીરે જણાવ્યું કે આ માટે જય શાહનો આભારી છું.
ન્યુઝીલેન્ડ સામેની અને પછી આફ્રિકા સામેની ઘરેલુ ટેસ્ટ શ્રેણી હાર પછી ફકત જયભાઇએ
જ મને ફોન કર્યો હતો અને મારા પર ભરોસો મૂક્યો હતો.