વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ન અંને રાજ્ય મંત્રી વેકરીયાએ આપ્યો પ્રત્યુત્તર
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.9 : છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં 152 બાળકો અને ગીર સોમનાથ જિલ્લામાં 46
બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી. પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ 46 બાળકોને
શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.
ગુજરાત
વિધાનસભા ખાતે સભ્ય દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલા બાળકો-મહિલાઓ
અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું
કે, પોલીસ તંત્રની સતર્કતાના પરિણામે જૂનાગઢ અને ગીર સોમનાથના ગુમ થયેલા બાળકોને શોધવામાં
મોટી સફળતા મળી છે. છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં 152 બાળકો અને ગીર સોમનાથ જિલ્લામાં
46 બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી. પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ
46 બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના પણ 150 બાળકોને
શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2 બાળકોની શોધખોળ હાલમાં ચાલી
રહી છે. કોઈપણ વ્યક્તિ ગુમ થાય ત્યારે શરૂઆતના 24 કલાકને ‘ગોલ્ડન અવર્સ’ ગણવામાં આવે
છે. આ સમયગાળા દરમિયાન ફરિયાદ દાખલ કરવામાં આવે તો પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે
સઘન ચાકિંગ હાથ ધરવામાં આવે છે.