• મંગળવાર, 10 માર્ચ, 2026

26 નિર્વિરોધ, હવે ત્રણ રાજ્યની 11 બેઠક માટે લડાઈ દસ રાજ્યમાં રાજ્યસભાની 37 બેઠકનું ચિત્ર સ્પષ્ટ થયું

નવી દિલ્હી, તા. 9 : દસ રાજ્યોની 37 રાજ્યસભા બેઠકોનું ગણિત સ્પષ્ટ થતું જાય છે. 37 બેઠકમાંથી સાત રાજ્યોની 26 બેઠક ઉપર વિધાનસભાના સંખ્યાબળ પ્રમાણે 26 ઉમેદવાર જ હોવાથી આ 26 બેઠક ઉપર ઉમેદવાર નિર્વિરોધ જીતી ગયા અને એની જાહેરાત આજે કરી દેવામાં આવી હતી. હવે ત્રણ રાજ્યની 11 બેઠક ઉપર 11થી વધુ ઉમેદવારો મેદાનમાં છે તેથી આ ત્રણ રાજ્યોની વિધાનસભામાં 16 માર્ચે <

મતદાન થશે.

મહારાષ્ટ્ર, તામિલનાડુ, પ. બંગાળ, બિહાર, આસામ, ઓડિશા, તેલંગણા, છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશ એમ દસ રાજ્યોની 37 રાજ્યસભાની બેઠક ઉપર સૌની નજર હતી. આજે સોમવારે નામાંકન પરત લેવાની આખરી તારીખ હતી. આ દસ રાજ્યોમાંથી સાત રાજ્યની 26 બેઠક પર 26 ઉમેદવારે પાર્ટીના સંખ્યાબળ પ્રમાણે જ નામાંકન દાખલ કરેલાં તેથી આ સાત રાજ્યોના 26 ઉમેદવારો મતદાન વગર જ નિર્વિરોધ ચૂંટાયેલા જાહેર થયા છે. જોકે હરિયાણા, ઓડિશા અને બિહારમાં નિર્ધારિત 11 બેઠક કરતાં વધુ ઉમેદવારે નામાંકન કરેલા હોવાથી આ ત્રણ રાજ્યોમાં 16 માર્ચે મતદાન થશે. 

ઓડિશામાં ચોથી બેઠક માટે લડાઈ: ઓડિશામાં ચાર રાજ્યસભાની સીટ ઉપર પાંચ ઉમેદવારે નામાંકન કર્યું છે, ભાજપે બે સીટો ઉપર મનમોહન સામલ અને સુજિત કુમારને ઉમેદવારી આપી છે અને દિલીપ રેને ભાજપે સમર્થન જાહેર કર્યું છે. વિપક્ષ બિજુ જનતા દળે સંતૃપ્ત મિશ્રને અને કૉંગ્રેસે ડૉ દત્તેશ્વર મિશ્રને ઉમેદવારી આપી છે. ચાર બેઠક ઉપર પાંચ ઉમેદવારમાંથી ભાજપના બે અને બીજેડીના એકની જીત નક્કી છે. ચોથી સીટ માટે ભાજપ સમર્થિત દિલીપ રે અને કૉંગ્રેસના ડૉ. દત્તેશ્વર મિશ્ર માટે મતદાન થશે.

બિહારમાં પાંચમી સીટ માટે જંગ : બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠક માટે છ ઉમેદવાર મેદાનમાં છે. ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને શિવેશ કુમાર તેમ જ એનડીએના સાથી જનતા દળ યુનાઇટેડના રામનાથ ઠાકુર અને મુખ્ય પ્રધાન નીતિશ કુમારે ઉમેદવારી કરી છે. પાંચમી બેઠક માટે એનડીએના ઉપેન્દ્ર કુશવાહા અને વિપક્ષ આરજેડીએ અમરેન્દ્ર ધારી સિંહને ઉમેદવારી આપતાં મતદાન થશે.

હરિયાણામાં બે બેઠક માટે ત્રણ ઉમેદવાર : હરિયાણામાં રાજ્યસભાની બે બેઠક માટે ત્રણ ઉમેદવાર મેદાનમાં છે. ભાજપના સંજય ભાટિયા અને કૉંગ્રેસના કર્મવીર બૌદ્ધ સંખ્યાબળ પ્રમાણે જીતી જશે, પરંતુ ભાજપના સમર્થનથી સતીષ નાંદલે અપક્ષ ઉમેદવારી નોંધાવતાં ચૂંટણી નક્કી  થઈ છે. હરિયાણામાં રાજ્યસભાની એક બેઠક માટે 31 વિધાનસભ્યનું સમર્થન જરૂરી છે. કુલ 90 વિધાનસભ્યોમાંથી ભાજપના 48 અને કૉંગ્રેસના 37 વિધાનસભ્યો છે. ત્રણ અપક્ષ અને બે ઇનેલોના છે. ભાજપની એક બેઠક ઉપર જીત નક્કી છે પરંતુ બીજી બેઠક માટે કૉંગ્રેસ અને અપક્ષ વચ્ચે ચૂંટણી થશે.

ઇ-પેપરના નવા શુલ્ક