• મંગળવાર, 10 માર્ચ, 2026

અંગ દઝાડતી ગરમી : રાજકોટ સહિત 6 શહેરમાં 41 ડિગ્રીને પાર

41.6 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર : 3 દિવસ 17 જિલ્લામાં ગરમીનું એલર્ટ

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, અમદાવાદ, તા.9: રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં ગરમી આકરા પાણીએ જોવા મળી રહી છે. રાજકોટ, અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે ‘હીટવેવ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન થઇ ગયા છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે, ત્યાં જ લોકો અનહદ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. રાજકોટ, અમદાવાદ સહિત રાજ્યના 6 શહેરમાં મહતમ તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે. જેમાં 41.6 ડિગ્રી સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મહતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં.       

ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી પારો નીચે જતા ત્રણ દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. 10 અને 11 માર્ચ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, કચ્છ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરુચ, સુરત અને વડોદરામાં હીટવેવની શક્યતા છે. તેમજ તા.12 અને 13ના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની સંભાવના છે.

જૂનાગઢ : સોરઠમાં છેલ્લા બે દિવસથી ઉનાળાએ ઉગ્ર મિજાજ ધારણ કરતા ગગનમાંથી અગન વર્ષા થઈ રહી છે. આજે તાપમાનનો પારો 41.2 ડિગ્રીએ પહોંચતા સર્વત્ર ભઠ્ઠાગાર છવાયો હતો. કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે માર્ગો સુમસામ થઈ ગયા હતા.

કયાં, કેટલી ગરમી ?

 

રાજકોટ  41.6

સુરેન્દ્રનગર          41.6

કંડલા પોર્ટ           41.4

અમદાવાદ           41.2

જૂનાગઢ 41.2

ડીસા      41.1

કેશોદ     40.8

ગાંધીનગર           40.6

સુરત      40.6

અમરેલી 40.5

વડોદરા   40.4

ભુજ      40.4

મહુવા    39.6

ભાવનગર            38.6

પોરબંદર 37.8

નલિયા   37.4

ઇ-પેપરના નવા શુલ્ક