100 કરોડના હવાલા વ્યવહાર સામે
આવ્યા, 1400 એકાઉન્ટ ફ્રીઝ કરવાની સાથે 18ની ધરપકડ
નવી દિલ્હી, તા. 25 : કેન્દ્ર
સરકારે ઓપરેશન ટ્રાઇડેન્ટ મારફતે માદક પદાર્થો સામે એક મોટો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય
એજન્સીઓએ આસામ, મિઝોરમ અને મણિપુરમાં 38 જગ્યાએ એકસાથે દરોડા પાડીને આંતરરાષ્ટ્રીય
માદક પદાર્થના નેટવર્કને ધ્વસ્ત કર્યું હતું. આ ઓપરેશનમાં 100 કરોડ રૂપિયાનની હવાલા
લેણદેણ સામે આવી હતી. આ સાથે 1424 બેન્ક ખાતાં ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીમાં
17.82 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી અને 18ની ધરપકડ થઈ છે. સમગ્ર ઓપરેશનની જાણકારી
ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવી હતી. શાહે ટ્વીટ મારફતે કહ્યું હતું કે, ઓપરેશનમાં
500 ડેટોનેટર અને 12 લાખ રૂપિયા રોકડ જપ્ત થઈ છે. 18 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ નેટવર્ક ડેથ ટ્રાયેન્ગલ કોરિડોરનાં માધ્યમથી ભારત, મ્યાંમાર અને બંગલાદેશની સરહદોથી
માદક પદાર્થોની તસ્કરી કરતું હતું.
અમિત
શાહે કહ્યું હતું કે, ઓપરેશન 31 ડિસેમ્બર, 2029 સુધીમાં માદક પદાર્થના નેટવર્કને ખતમ
કરવાના ભારતના દ્રઢ સંકલ્પને દર્શાવે છે. ભારત ત્યાં સુધી પ્રહાર કરતું રહેશે જ્યાં
સુધી માદક પદાર્થની ગેંગને તબાહ ન કરી દેવામાં આવે. ગત ગુરુવારે સામાજિક ન્યાય અને
અધિકારિતા મંત્રાલયે જાણકારી આપી હતી કે નશા મુક્ત ભારત અભિયાન અત્યાર સુધીમાં 35 કરોડ
લોકો સુધી પહોંચી ચૂક્યું છે. જેમાં 13.94 કરોડ યુવા અને 10.86 કરોડ મહિલા સામેલ છે.