ઉખરલા-માળનાથ માર્ગ પર મૃતદેહ
નજીક બાઈક મળી : પરિવારને હત્યાની આશંકા
ભાવનગર, તા.25: ભાવનગરના ઉખરલા
ગામથી માળનાથ જવાના માર્ગ પર ઝાડી-ઝાંખરામાંથી યુવાનનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતાં
ચકચાર મચી ગઈ છે. મૃતદેહ નજીકથી બાઈક પણ મળી આવ્યું હતું. બનાવની જાણ થતાં વરતેજ પોલીસ
અને એલસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ
શરૂ કરી છે.
મૃતકની ઓળખ ખડસલિયા ગામના મુન્નાભાઈ
હિંમતભાઈ ડાભી (ઉં.વ. 29) તરીકે થઈ છે. તેમના ભાઈ દીપકભાઈ ડાભીના જણાવ્યા મુજબ, મુન્નાભાઈ
ભાવનગરના શિવાજી સર્કલ પાસે પ્લમ્બિગનું કામ કરતા હતા અને તેમને છ વર્ષનું બાળક છે.
ગત રાત્રે તેઓ નાણાંની ઉઘરાણીના કામે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેમનો મૃતદેહ મળી
આવતાં પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી છે અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે. વરતેજ
પોલીસ મથકના પી.આઈ. એસ.કે. સોલંકીના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળની તપાસ દરમિયાન રસ્તાની
બંને બાજુ લોહીના નિશાન મળી આવ્યાં હતાં. પ્રાથમિક તપાસમાં અકસ્માતની શક્યતા જણાતી
હોવાથી પોલીસે અકસ્માત મોતની નોંધ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, યુવાનનું મૃત્યુ
અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણસર, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.