• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

ન્યૂઝીલેન્ડ-એ સામે પડિક્કલ અને સુદર્શને બાજી સંભાળી

પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ એ સામે ભારત એની વાપસી

નવી દિલ્હી, તા.25 : ન્યૂઝીલેન્ડ એ સામે રમાઈ રહેલી પ્રથમ ચાર દિવસીય અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં પ્રથમ દાવની પછડાટ બાદ ભારત એ ટીમે બીજા દિવસે સંયમ દર્શાવી વળતી લડત આપી છે. પ્રથમ દાવમાં માત્ર 113 રનમાં સમેટાઈ ગયેલી ભારતીય ટીમે બીજી ઇનિંગ્સમાં પણ માત્ર 10 રનમાં બંને ઓપનરોની વિકેટો ગુમાવી દેતાં ફરી એકવાર ધબડકાની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ત્યારબાદ દેવદત્ત પડિક્કલ અને સાઈ સુદર્શને બાજી સંભાળી અણનમ 96 રનની નિર્ણાયક ભાગીદારી નોંધાવી હતી. બીજા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં ભારતે 2 વિકેટે 106 રન બનાવી લીધા છે અને ટીમ હજુ 98 રન પાછળ છે.

ભારત માટે ફરી એકવાર સિનિયર ઓપનર્સનું પ્રદર્શન ચિંતાનો વિષય બન્યું છે. સિનિયર બેટર કે.એલ. રાહુલ પ્રથમ દાવમાં ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન ભેગા થયા બાદ બીજી ઇનિંગ્સમાં પણ માત્ર 4 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. બીજી તરફ, યશસ્વી જયસ્વાલ પણ બીજી ઇનિંગ્સમાં માત્ર 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. 10 રન પર 2 વિકેટ પડી ગયા બાદ દેવદત્ત પડિક્કલે 89 બોલમાં 56 રનની આક્રમક અડધી સદી ફટકારી હતી, જ્યારે સાઈ સુદર્શને 104 બોલમાં 39 રન બનાવી મજબૂત ડિફેન્સ સાથે બીજા છેડેથી સાથ આપ્યો હતો. બંને બેટર્સ વચ્ચેની આ અણનમ ભાગીદારીએ ભારતીય ડ્રાસિંગ રૂમમાં આશા જગાવી છે.

આ અગાઉ બીજા દિવસે સવારે કિવી ટીમે પોતાના પ્રથમ દાવના સ્કોર 135/3થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. કેપ્ટન રાઇસ મારિયુએ 137 બોલમાં 76 રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. તેમને ડીન ફોક્સક્રોફ્ટ (51), કર્ટિસ હીફી (44) અને ક્રિસ્ટિયન ક્લાર્ક (42) તરફથી ટેકો મળ્યો હતો. ન્યૂઝીલેન્ડ એની સમગ્ર ટીમ 317 રનમાં ઓલઆઉટ થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક