• સોમવાર, 26 ઑક્ટોબર, 2026

મોદીનાં પિતા ઉપર ખડગેની ટિપ્પણીથી હંગામો

શાહે કહ્યું, કોંગ્રેસ પાસે હવે ખાલી ગાળાગાળીનું રાજકારણ બચ્યું છે : ભાજપનાં દિગ્ગજો આવ્યા ખડગે વિરુદ્ધ મેદાનમાં

નવીદિલ્હી,તા.2પ: કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તરફથી બિહારનાં પાટનગર પટણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પિતાજી વિશે કરવામાં આવેલી એક ટિપ્પણીથી રાજકીય વિવાદ સળગી ગયો છે. એક શખસે એકત્ર ભીડમાંથી બૂમ પાડી હતી કે, પીએમ મોદી ક્યાંય નહીં જાય! જેનાં ઉપર ભડકીને ખડગેએ કહ્યું હતું કે, મોદીનાં બાપ પણ જશે... આ વિવાદાસ્પદ વિધાન પછી સર્જાયેલા ભારે મોટા હંગામામાં ગૃહમંત્રી અમિત શાહથી માંડીને નીતિન નવીન અને ભાજપનાં અનેક દિગ્ગજો મેદાનમાં આવી ગયા હતાં અને શાહે કોંગ્રેસ પાસે ફક્ત ગાળાગાળીનું રાજકારણ બચ્યું હોવાનો પ્રહાર કર્યો હતો.

અમિત શાહે સોશિયલ મીડિયા એક્સમાં કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યંyં હતું કે, ખડગેએ પટણામાં પીએમ મોદીનાં પરિવાર અને દિવંગત પિતા વિશે અભદ્ર ટિપ્પણી કરીને શાલીનતાની તમામ મર્યાદાઓ તાર-તાર કરી નાખી છે. આ કંઈ પહેલીવાર નથી કે કોંગ્રેસે મોદી કે તેમના પરિવાર વિશે અપશબ્દો વાપર્યા હોય. આ પહેલા તેમના માતાજી વિશે પણ વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. ક્યારેક મોતનાં સોદાગર તો ક્યારે ચાવાળો કહીને તેમની ગરીબાઈની મજાક ઉડાવાઈ હતી. સતત 12 વર્ષથી ચૂંટણી હાર પછી હતાશા અને નિરાશા એટલી વધી ગઈ છે કે, તેમની પાસે કોઈ મુદ્દો બચ્યો નથી. હવે બસ ગાળાગાળીનું રાજકારણ બચ્યું છે.

ભાજપનાં અધ્યક્ષ નીતિન નવીને પણ ખડગેનાં નિવેદન સામે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ પ્રકારની અમર્યાદ અને અસંસદીય ભાષાનો ઉપયોગ કોંગ્રેસની વૈચારિક નાદારી દેખાડે છે. રાજકીય વિરોધની પણ એક ગરિમા અને મર્યાદા હોય છે. દિવંગત પરિજનોને ભાષણમાં ઘસડવામાં તેમનાં સંસ્કાર દેખાય છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ કહ્યું હતું કે, મોદી પ્રત્યે કોંગ્રેસની નફરત જગજાહેર છે. સર્વોચ્ચ પદ ઉપર બેઠેલા વ્યક્તિ માટે આવી ભાષાનો ઉપયોગ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે, ખડગે પટણાનાં પ્રવાસમાં ડૉ. શ્રીકૃષ્ણ સિંહની 139મી જયંતીનાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. તેમનાં સંબોધન દરમિયાન એક શખસે ખલેલ પહોચાડીને મોદી ક્યાંય નહીં જાય તેવું બોલતા ખડગે ઉશ્કેરાઈ ગયા હતાં અને તેમણે મોદીનાં પિતા ઉપર ટિપ્પણી કરી નાખી હતી. ત્યારબાદ સભાસ્થળે હંગામો  મચી ગયો હતો. કોંગ્રેસ સમર્થકોએ વોટ ચોર ગદ્દી છોડની નારાબાજી શરૂ કરી દીધી હતી અને તેની સામે પ્રદર્શન કરનાર શખસને સભામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક