સુરત, તા. 25:સુરતના વેસુ વિસ્તારમાં
ગફલતભરી રીતે કાર હંકારતી મહિલા ચાલકે ઝૂંપડપટ્ટી બહાર રમી રહેલા અઢી વર્ષના બાળકને
અડફેટે લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાળકને હોસ્પિટલ
લઈ જવાયું હતું, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવથી પરિવારમાં શોક છવાયો
છે.
મળતી માહિતી મુજબ, મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના
વતની અને હાલ વેસુમાં રઘુવીર સેલ સામેની ઝૂંપડપટ્ટીમાં રહેતા અપીલભાઈ તાનાસિંગ ડામોર
(ઉં.વ. 22) ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત મોડી સાંજે મિતાલીબેન નામની
મહિલા સ્કોડા સ્લેવિયા કાર લઈને ઝૂંપડપટ્ટીમાં તેલની બોટલનું દાન આપવા આવી હતી.
દાન આપ્યા બાદ મહિલા કાર લઈને પરત ફરી રહી હતી
ત્યારે બહાર રમી રહેલા અપીલભાઈના પુત્ર આર્યનને કારની ટક્કર વાગી હતી. કારનું વ્હીલ
બાળક પર ફરી વળતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ મહિલા કાર લઈને જવાનો પ્રયાસ
કરતી હોવાનું જાણવા મળતાં પિતાએ પીછો કરી કાર અટકાવી હતી.
ત્યારબાદ બાળકને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલ લઈ
જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં પોલીસની હાજરીમાં બાળકને
નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વેસુ પોલીસે મહિલા કારચાલક મિતાલીબેન
વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.