- જયસ્વાલ, કે એલ રાહુલ, સાઈ સુદર્શન અને ધ્રુવ જુરેલ જેવા જાણીતા ખેલાડી નવા નિશાળિયા સામે ફેઇલ
લિંકન, તા.24 ઃ ભારત ‘એ’ અને ન્યૂઝીલેન્ડ ‘એ’ વચ્ચે લિંકન
ખાતે શરૂ થયેલા પ્રથમ ચાર દિવસીય અનઓફિશિયલ ટેસ્ટ મુકાબલામાં ભારતીય ટીમનો ધબડકો જોવા
મળ્યો છે. ન્યૂઝીલેન્ડના બોલરોનાં આક્રમણ સામે પ્રથમ દાવમાં ભારતીય ટીમ માત્ર 113 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દિવસના અંતે ન્યૂઝીલેન્ડ ‘એ’ ટીમે 3 વિકેટના નુકસાને 135 રન બનાવીને 22 રનની મહત્ત્વપૂર્ણ સરસાઈ હાંસલ કરી લીધી
છે.
ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી ભારત ‘એ’ ટીમની શરૂઆત આંચકાજનક રહી હતી. ભારતના
કોઈ પણ બેટ્સમેન અડધી સદી પણ નોંધાવી શક્યા નહોતા. યુવા બેટ્સમેન યશ રાઠોડે સર્વાધિક
44 રન બનાવ્યા હતા. જ્યારે
દેવદત્ત પડિક્કલે 32 રનનું યોગદાન આપ્યું
હતું. આ બન્ને સિવાય અન્ય કોઈ બેટ્સમેન કિવી બોલરોનો સામનો કરી શક્યા નહોતા.
યશસ્વી જયસ્વાલ 17 રન બનાવી આઉટ થયો
હતો, જ્યારે કે એલ રાહુલ
અને સાઈ સુદર્શન ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા થયા હતા. કેપ્ટન ધ્રુવ જુરેલ
પણ માત્ર 1 રન બનાવી સસ્તામાં
વિકેટ ગુમાવી બેઠો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી બોલર સાયમન કીને 5 વિકેટ ઝડપી હતી. જ્યારે જેક ગિબ્સને 3 અને ફ્રેઝર શીટ તેમજ ક્રિસ્ટિયન ક્લાર્કે
1-1 વિકેટ મેળવી હતી.
ભારતના સામાન્ય સ્કોર સામે બાટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ ‘એ’ ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. કેપ્ટન રાઇસ મારિયુ (76 રન) અને કર્ટિસ હિફી (37* રન) વચ્ચે પ્રથમ વિકેટ માટે 132 રનની સદીની ભાગીદારી નોંધાઈ હતી. દિવસના મોટાભાગના સમય દરમિયાન કિવી ઓપનર્સનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો. જોકે, દિવસની રમતના અંતિમ તબક્કામાં ભારતીય બોલર્સે વાપસીના સંકેત આપ્યા હતા. તેમની ત્રણ વિકેત ઉપરાઉપરી પડી હતી.