• રવિવાર, 22 નવેમ્બર, 2026

ઈરાન-અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટ અટકી

- ઈરાન કોઈપણ હિસાબે યુરેનિયમ દેશની બહાર મોકલવા માટે અસહમત : અમેરિકા પણ પોતાનાં વલણ ઉપર અડગ

 

નવી દિલ્હી, તા.21: ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમ અંગે ચાલી રહેલી વાટાઘાટો ફરી એકવાર સંકટમાં મૂકાઈ ગઈ છે. બન્ને દેશો વચ્ચે સૌથી મોટો વિવાદ ઈરાનનાં યુરેનિયમ ભંડારનો છે. અમેરિકા ઈચ્છે છે કે, આ ભંડારને ઈરાન ખતમ કરી નાખે અને ભવિષ્યમાં ફરીથી યુરેનિયમ સંગ્રહ નહીં કરવાની લેખિત બાંયધરી આપે. બીજીબાજુ ઈરાન કોઈપણ હિસાબે અમેરિકાની આ શરત સ્વીકારવા તૈયાર નથી. ઈરાન દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, સંવર્ધિત યુરેનિયમ કોઈપણ દેશને સોંપવામાં નહીં આવે અને શાંતિ સમજૂતી બાદ અમેરિકાએ ફરીથી હુમલો નહીં કરવાની ખાતરી આપવી પડશે. દરમિયાન અન્ય મધ્યસ્થતા કરતાં દેશોએ પણ ચેતવણી આપી છે કે, ફરીથી અમેરિકા અને ઈરાન વચ્ચે સૈન્ય અથડામણ નહીં થવાની કોઈપણ ખાતરી નથી.

અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતમાં અનેક પ્રસ્તાવો મૂકવામાં આવ્યા હતાં. જો કે આમાં યુરેનિયમ ભંડાર વિશે કોઈ સહમતી બની શકી નથી. બન્ને દેશ પોતાનાં વલણ ઉપર અડી ગયેલા છે. તેથી મધ્યસ્થી દેશો પણ આ વાતચીતને આગળ વધારી શકવામાં અસમર્થ સાબિત થઈ રહ્યાં છે.

ઈરાનનાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તેમનો દેશ ફકત્ વર્તમાન કૂટનીતિક સંકટની બહાર નીકળવા માટે અમેરિકા સામે કોઈપણ સમજૂતી કરવા માગતો નથી. ઈરાન એવી સમજૂતી કરવા માગે છે જે તેનાં રાષ્ટ્રીય હિતોની રક્ષા કરે અને ભવિષ્યમાં કોઈપણ સૈન્ય ટકરાવ રોકવાની પણ ગેરન્ટી આપે. ઈરાન એવી કોઈપણ સ્થિતિમાં રહેવાં માગતું નથી જેમાં યુદ્ધ કે કે શાંતિ કંઈ જ ન હોય.

તેમણે આગળ યુરેનિયમ વિશે કહ્યું હતું કે, ઈરાન પાસે મોજૂદ 60 ટકા સુધી સંવર્ધિત યુરેનિયમ ભંડાર ઉપર વાટાઘાટ માટે તેઓ તૈયાર છે પણ આ યુરેનિયમ સામગ્રી દેશની બહાર મોકલવા માટે સહમત નથી. યુરેનિયમ અંગે ઉચિત માર્ગ કાઢી શકાય પણ તેનાં માટે ઈરાનનાં હિતોને ધ્યાને રાખવા પડશે. જૂનમાં યુદ્ધવિરામ થયો હતો પણ પછી 1પ દિવસમાં જ ફરીથી લડાઈ ચાલુ થઈ હતી. આ અનુભવ પછી હવે ઈરાન કોઈપણ એવી સમજૂતી ઉપર ભરોસો કરવા માગતું નથી જેમાં ફરીથી યુદ્ધ શરૂ થવાનો અવકાશ હોય.

ઇ-પેપરના નવા શુલ્ક