• રવિવાર, 22 નવેમ્બર, 2026

રાજુલાના ભાજપ આગેવાન સામે દુષ્કર્મની ફરિયાદ

પરિણીત મહિલાને ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, ફરિયાદ બાદ પક્ષના હોદ્દા પરથી દૂર કરાયા

અમરેલી, તા.21: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાજપના આગેવાન સામે ખાંભા પોલીસ મથકમાં દુષ્કર્મ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. 39 વર્ષીય પરિણીત મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીએ ઓળખાણનો લાભ લઈ ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેમજ અલગ અલગ સમયે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે.

ફરિયાદ મુજબ, રાજુલા તાલુકાના વાવેરા ગામના ભાજપના આગેવાન અને મીડિયા સેલના કન્વીનર વિક્રમ વીહાભાઈ સાંખટ સાથે મહિલાનો આશરે ત્રણ વર્ષ પહેલાં પરિચય થયો હતો. ભાણેજના મરણની જાહેરાત આપવા બાબતે થયેલી ઓળખાણ બાદ આરોપીએ મહિલાને ફેબ્રુઆરી 2024માં બાબરકોટના સમૂહલગ્નમાં જવાનું કહી પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક અડપલાં કરી ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

વધુમાં, આશરે એક વર્ષ પહેલાં મહિલાના પિયરના ગામે રાત્રિના સમયે આવી પોલીસ સાથે હોવાનો ડર બતાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મહિલાને કેસમાં ફસાવી દેવાની અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપી અવારનવાર ફોન કરી દબાણ કરતો અને મહિલાના સંબંધીઓ તથા સમાજમાં તેના ચારિત્ર્ય અંગે ખોટી વાતો ફેલાવી બદનામ કરતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક