2026ની કમાણી માત્ર એક જ દિવસમાં ગાયબ ! : 560 લાખ કરોડ રૂપિયા
જેટલા ડોલરનું ધોવાણ
વોશિંગ્ટન, તા. 21 : અમેરિકન શેરબજારમાં છેલ્લા છ વર્ષના ઈતિહાસનો
સૌથી ભયાનક કડાકો બોલાઈ ગયો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સેક્ટરની કંપનીઓ પરના
ભારે ખર્ચ અને વળતર અંગે વધી રહેલી ચિંતા વચ્ચે 2026માં રોકાણકારોએ મેળવેલો તમામ નફો
માત્ર એક જ દિવસના ઘટાડામાં ધોવાઈ ગયો છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન અમેરિકન માર્કેટમાંથી આશરે છ લાખ કરોડ
ડોલરનું જંગી નુકસાન થયું છે, જ્યારે માત્ર શુક્રવારે જ એક લાખ કરોડ ડોલર ગાયબ થઈ ગયા
હતા. એસએન્ડપી 500 ઈન્ડેક્સ સતત સાત સેશનથી ઘટી રહ્યો છે, જે 2020ના કોરોનાકાળ પછીનો
સૌથી લાંબો ઘટાડો છે.
શુક્રવારે એઆઈ સ્ટાર્ટઅપ એન્થ્રોપીકનો રેકોર્ડબ્રેક આઈપીઓ લિસ્ટ
થયા બાદ બજારમાં રિકવરીની આશા હતી. જોકે, લિસ્ટિંગના બીજા જ દિવસે તેનો શેર નવ ટકા
ગગડીને 88.30 ડોલર પર આવી ગયો હતો. આ સાથે જ માર્કેટમાં એઆઈ સંબંધિત ટેક શેરોમાં ભારે
વેચવાલી શરૂ થઈ ગઈ હતી.
રોકાણકારો હવે એઆઈ સેક્ટરમાં ડેટા સેન્ટર્સના નિર્માણની ધીમી
રફતાર, અતિશય વેલ્યુએશન અને ફાંડિંગની અછતને કારણે કંપનીઓની કમાણી પર સવાલ ઉઠાવી રહ્યા
છે. વધુમાં, ફેડરલ રિઝર્વે દ્વારા વ્યાજદરો વધારવાની આશંકાથી પણ સેન્ટિમેન્ટ ખરાબ થયું
છે.