જૂનાગઢ, તા.21 : ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાને લઈને સમગ્ર પંથક ભક્તિમય બની ગયો છે. 36 કિલોમીટરના પરિક્રમા માર્ગ પર માનવ મહેરામણ ઉમટતાં જાણે ભક્તિની અવિરત માનવસાંકળ સર્જાઈ હોય તેવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના ગગનભેદી નાદ સાથે લાખો ભાવિકો પ્રકૃતિના ખોળે આસ્થા અને શ્રદ્ધાની યાત્રા કરી રહ્યા છે. એક તરફ શ્રદ્ધા અને સેવાનો સંગમ, તો બીજી તરફ પાણી અને ભીડ વ્યવસ્થાપનના પડકારો વચ્ચે ગિરનારની લીલી પરિક્રમા ભક્તિનો અવિસ્મરણીય માહોલ સર્જી રહી છે.
ગત રાત્રે પરંપરાગત રીતે લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં
આવ્યો હતો. જોકે, સત્તાવાર પ્રારંભ પૂર્વે જ અંદાજે અઢીથી ત્રણ લાખ ભાવિકોએ પરિક્રમા
શરૂ કરી દીધી હતી.
મધરાતે ભવનાથ તળેટીમાં ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓએ જયઘોષ સાથે પરિક્રમાના
પંથ પર પ્રયાણ કર્યું હતું. વિધિવત પ્રારંભના 15 કલાક બાદ પણ ભાવિકોનો પ્રવાહ અટકવાનું
નામ લેતો ન હતો. ઇટવા ઘોડી તરફથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આગળ વધતા જોવા મળ્યા
હતા.
પરિક્રમાના પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી ખાતે એક લાખથી વધુ ભાવિકોએ
રાત્રિ રોકાણ કર્યું છે. જ્યારે માળવેલામાં દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓનો જમાવડો થયો
છે. પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી ખાતે ત્રણ લાખથી વધુ ભાવિકોએ પડાવ નાખતાં સમગ્ર
વિસ્તાર ભાવિકોથી ઉભરાયો છે.
પરિક્રમા માર્ગ પર એકમાત્ર નળપાણીની ઘોડી ખાતે ભાવિકોની ગણતરી
કરવામાં આવે છે. અહીં સાંજે છ વાગ્યા સુધીમાં ત્રણ લાખથી વધુ ભાવિકો પસાર થઈ બોરદેવી
પહોંચ્યા હતા. તેમાંથી 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથ તળેટી
પરત ફરી ચૂક્યા હતા. પરિક્રમાર્થીઓનો પ્રવાહ સતત ચાલુ રહેતાં પરિક્રમા નિર્ધારિત સમયમાં
પૂર્ણ થવાની શક્યતા સામે પ્રશ્નો ઊભા થયા છે. જોકે, મોટાભાગના ભાવિકો જંગલમાં ત્રણને
બદલે બે રાત્રિ રોકાણ કરીને પરત ફરતા હોવાથી તંત્રને પરિક્રમા સમયસર પૂર્ણ થવાની આશા
છે.