ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં અઢળક ગુના
રાજકોટ, તા.28: શહેર પોલીસ દ્વારા યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ રોકવા માટે ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન અંતર્ગત કડક કાર્યવાહીની સૂચના હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ એ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર નવાગામ બામણબોર પાસે ચાકિંગ હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામેથી ચાર શખ્સોને પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોનના જથ્થા સાથે રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
પકડાયેલા આરોપીઓમાં વિનય રાજુભાઇ ઉકેડીયા (ઉ.વ. 27), હિતેષ ઉર્ફે હિતો સુનીલભાઈ ધામેલીયા (ઉ.વ. 25), ભવદિપ ઉર્ફે હાંડો પરેશભાઇ ડાભી (ઉ.વ. 24) અને વિશાલ રાજુભાઇ ગોહિલ (ઉ.વ. 21) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની સામે અગાઉ પણ હત્યા, પ્રોહિબિશન, મારામારી, જુગાર તથા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ અનેક ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5,72,560/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરી એસ.ઓ.જી. પી.આઈ એન.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને એફ.એસ.એલ. અધિકારી સમીર જોષી દ્વારા માદક પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.