• મંગળવાર, 30 જૂન, 2026

400 મીટર દોડમાં 53.26 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીતી


સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થિની એથ્લેટ તરીકે એશિયન ગેમ્સમાં ક્વોલિફાય

દેવયાનીબા ઝાલા ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લેટ તરીકે જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ક્વોલિફાય

 

રાજકોટ, તા. ર8 :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થિની તથા એમ.વી.એમ. મહિલા કોલેજના પ્રતિભાશાળી એથ્લેટ દેવયાનીબા ઝાલાએ ભુવનેશ્વર (ઓડિશા) ખાતે યોજાયેલી 65મી નેશનલ ઇન્ટર-સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2026ની મહિલા 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવી 2026 નાગોયા (જાપાન) એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે.

આ સાથે દેવયાનીબા ઝાલા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરનાર ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લેટ બન્યા છે. ભારતમાંથી આ ઇવેન્ટ માટે પસંદગી પામેલા ત્રણ ખેલાડીઓમાં સ્થાન મેળવી તેમણે પોતાની પ્રતિભા, સતત મહેનત અને સમર્પણનો પરિચય આપ્યો છે. દેવયાનીબાની આ સિદ્ધિ એક દિવસની સફળતા નથી. તેમણે અગાઉ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે ક્વોલિફાય થવાની સિદ્ધિ મેળવી હતી. ત્યાર બાદ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં મહિલા 400 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતી સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું.

 ઓલ ઇન્ડિયા તથા વિવિધ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ તેમણે અનેક ચંદ્રકો જીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. વર્લ્ડ લેવલ પર નોંધાવેલા તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ક્વોલિફાઇંગ સમયના આધારે જ આજે તેઓ એશિયન ગેમ્સ સુધી પહોંચવામાં સફળ થયા છે. દેવયાનીબા ઝાલાની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ હવે તેમનું ભારત સરકાર દ્વારા એશિયન ગેમ્સની તૈયારી માટે આયોજિત ઇન્ડિયા કેમ્પ માટે પણ સિલેક્શન થયું છે. દેશના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે તેઓ હવે વિશેષ તાલીમ મેળવી એશિયન ગેમ્સ માટે પોતાની તૈયારીઓને વધુ મજબૂત બનાવશે.

  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક વર્ષોથી રમતગમત ક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરી રહી છે. યુનિવર્સિટીના રમતગમતલક્ષી વાતાવરણ, ખેલાડીઓને આપવામાં આવતી પ્રોત્સાહક સુવિધાઓ, શારીરિક શિક્ષણ વિભાગના સતત માર્ગદર્શન અને અધ્યાપકોના સમર્પિત પ્રયાસોના પરિણામે આજે દેવયાનીબા ઝાલા જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની ખેલાડી તૈયાર થઈ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક