• મંગળવાર, 28 જુલાઈ, 2026

વરસાદી માહોલ વચ્ચે રવિવારની મોજ : સાંજે રંગત માણવા નીકળી પડયા રંગીલા શહેરના નગરજનો


 

છુટાછવાયા ઝાપટા અને ઝરમર વરસાદ વચ્ચે ગરમાગરમ ભજીયા, ચાની લારી-ગલ્લા પર ભીડ : રેસકોર્સ રિંગરોડ પર ટ્રાફિકનો જમાવડો

 

રાજકોટ, તા. ર6: રાજકોટિયનો માટે તો વરસાદ એ માત્ર હવામાન નથી, પણ ઉજવણીનો એક અવસર છે! વરસાદી માહોલે રંગીલા રાજકોટની રવિવારની સાંજને વધુ રોમાંચક અને યાદગાર બનાવી દીધી હતી. શહેરમાં રેસકોર્સ ઉપરાંત ભાગોળે કાલાવડ રોડ, કણકોટ ન્યારીડેમ, આજીડેમ સહિતના સ્થળે લોકોની ભીડ ઉમટી હતી.

 હવામાં ભીની માટીની મહેક અને આકાશમાં કાળાડિબાંગ વાદળોની જમાવટ તેમજ દિવસ દરમિયાન વરસતા છુટાછવાયા ઝાપટા વચ્ચે રાજકોટવાસીઓએ રવિવારની રજાને એળે જવા દીધી નહોતી. ઝરમર વરસાદની પરવા કર્યા વગર લોકો છત્રી-રેઈનકોટ સાથે લઈને પરિવાર, મિત્રો સાથે  ફરવા નીકળી પડ્યા હતા. રાજકોટનું હૃદય ગણાતા રેસકોર્સ રિંગ રોડ અને 150 ફૂટ રિંગ રોડ પર સાંજના સમયે ભારે ચહલપહલ જોવા મળી હતી. ઠંડા પવનના સપાટા વચ્ચે યુવાનો અને બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ વાતાવરણની મજા માણતા નજરે પડ્યા હતા. 

 વરસાદી હવામાન હોય અને કાઠિયાવાડીઓને ખાણીપીણી યાદ ન આવે એવું તો બને જ

નહીં ! શહેરના મુખ્ય ચોક, ખાણીપીણી બજાર અને રેસકોર્સ આસપાસ ગરમાગરમ ભજીયા, નુડલ્સ અને ચાની કિટલીઓ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.આહ્લાદક વાતાવરણને કેમેરામાં કંડારવા માટે યુવાધન ઉત્સાહિત દેખાયું હતું. ઓવરબ્રિજ, ગાર્ડન અને ખુલ્લા મેદાનોમાં લોકો ‘રેઈની વાઈબ્સ’ સાથે સેલ્ફી લેતા અને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવતા નજરે પડ્યા હતા. સાંજના સમયે એકસાથે હજારો લોકો રસ્તા પર ઉતરી આવતા કેટલાક મુખ્ય માર્ગો પર વાહનોની ધીમી ગતિ અને હળવો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. આમ છતાં, લોકોના ચહેરા પર વરસાદી રવિવાર માણવાનો આનંદ સ્પષ્ટપણે છલકાતો હતો.

લોકોની ભીડથી મકાઈ, મગફળી, ચના-દાળ વગેરે વેંચતા ફેરીયાઓ-લારી ગલ્લા ધારકોને આવક થતા તેઓ પણ ખુશખુશાલ જણાતા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક