• મંગળવાર, 28 જુલાઈ, 2026

ડીઆઈ પાઈપલાઈનનું કામ વોર્ડ નં.17માં શૂન્ય


વોર્ડ નં.16માં માત્ર બે ટકા, વોર્ડ નં.બેમાં 3 ટકા જ કામગીરી પૂર્ણ : ગ્રાન્ટના અભાવે એક ઈંચ પણ કામ આગળ ન વધતાં લોકોમાં રોષ

જનકસિંહ ઝાલા

 

રાજકોટ તા.25 : શહેરના વિવિધ વિસ્તારોમાં ઓછા લિકેજ સાથે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે  તેમજ પાણીચોરી ઉપર અંકૂશ લાવવા મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર ડીઆઈ પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. જો કે, આજદિન સુધીમાં તમામ 18 વોર્ડ પૈકી એકપણ વોર્ડમાં તેનું 100 ટકા કામ પૂર્ણ થયું નથી, કેટલાક વોર્ડ એવા પણ છે જેમાં આ કામગીરી 10 ટકાથી પણ ઓછી થઈ છે.

વોર્ડવાઈઝ ડેટા તપાસીએ તો વોર્ડ નં.17માં આજદિન સુધીમાં એક ટકો પણ કામગીરી પૂર્ણ થઈ નથી. આ વોર્ડમાં ગોપાલનગર, પારડી રોડ, આનંદનગર મેઈન રોડ, કોઠારિયા રોડ, ન્યુ સુભાષનગર, હુડકો, કિરણ સોસાયટી, હરિધવા માર્ગ, રાજલક્ષ્મી ચોક, બાબરિયા કોલોની, નારાયણનગર, ઢેબર કોલોની સહિતના વિસ્તારો શામેલ છે. અધિકારીઓના જણાવ્યાનુસાર ગુરુકૂળ હેડવર્કસ અંતર્ગત નેટવર્કની ગ્રાન્ટ તેમજ ટેન્ડર થઈ ચૂક્યાં છે. વિનોદનગર તેમજ લાલબહાદુર હેડવર્ક માટે ગ્રાન્ટ મળ્યે નેટવર્ક ડિઝાઈનની કામગીરી હાથ ધરાશે.

શહેરનો વોર્ડ નં.16 પણ એક એવો વોર્ડ છે જ્યાં ડીઆઈ પાઈપલાઈન નાખવાનું કામ માત્ર બે ટકા જ પૂર્ણ થયું છે. આ વોર્ડમાં સોરઠિયાવાડી સર્કલથી લઈને સર ગોપાલદાસ રોડ આગળ જતાં આજી નદીની પશ્વિમ હદ તરફ જોડતા વિસ્તારો, 80 ફૂટ રોડ સ્મશાન, જંગલેશ્વર આસપાસના વિસ્તારો, ખોખડદડી નદીની પશ્વિમ હદને જોડતા વિસ્તારો, કેદારનાથ સોસાયટી, હુડકો પોલીસ ચોકી સહિતના વિસ્તારો શામેલ છે.

વોર્ડ નં.બે માં પણ ડીઆઈપાઈપ લાઈન નાખવાનું કામ માત્ર 3 ટકા જ પૂર્ણ થયું છે. ધારાસભ્ય ડો.દર્શિતા શાહ અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનો આ વોર્ડ ગણવામાં આવે છે. જામનગર રોડ, વાંકાનેર સોસાયટી, બજરંગવાડી, રેડિયો કોલોની, હોસ્પિટલ ચોક, જ્યુબિલી, રેસકોર્સ, કિશાનપરા ચોક, સુભાષનગર, હનુમાન મઢી ચોક, છોટુનગર, રંગ ઉપવન, એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યાનુસાર સમગ્ર વિસ્તારનું બ્લોક એસ્ટિમેન્ટ બનાવવામાં આવ્યું છે અને ગ્રાન્ટ માટે અરજી કરવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક