• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

IPL રીટેન ખેલાડીઓના નામ પરથી આજે પડદો હટશે

5 ઇન્ટરનેશનલ અને 1 અનકેપ્ડ ખેલાડી રીટેન કરવા પર ફ્રેંચાઇઝીના પર્સમાંથી 74 કરોડ કટ થશે 10 ફ્રેંચાઇઝીના પર્સમાં કુલ 1200 કરોડ રૂપિયા

મુંબઈ, તા.30: આઇપીએલ મેગા ઓકશન અગાઉ પ્લેયર્સ રિટેન્શનની આખરી તારીખ 31 ઓક્ટોબર છે. 31મીએ સાંજે પ-00 વાગ્યા સુધીમાં તમામ 10 ફ્રેંચાઇઝીએ તેમના રીટેન ખેલાડીનાં નામ આઇપીએલ સંચાલન કમિટી સમક્ષ જમા કરાવી દેવાના રહેશે. આ સાથે જ એ નિશ્ચિત બની જશે કયો ખેલાડી કઈ ટીમમાં ટકી રહ્યો છે અને કોની બાદબાકી થઈ છે. આ ઉપરાંત એ પણ સ્પષ્ટ થઈ જશે એમએસ ધોની આઇપીએલ 202પ સીઝનમાં રમશે કે નહીં ? ધોની નવા નિયમ અનુસાર અનકેપ્ડ ખેલાડી તરીકે સીએસકેમાં રીટેન થઈ શકે છે. આ માટે ફ્રેંચાઇઝીએ ફક્ત ચાર કરોડ જ પર્સમાંથી કટ કરવાના રહેશે.

આઇપીએલની તમામ 10 ફ્રેંચાઇઝી પાસે મેગા ઓક્શન માટે કુલ 1200 કરોડ રૂપિયા છે. એટલે કે દરેક ફ્રેંચાઇઝીના પર્સમાં 120 કરોડ રૂપિયા છે. મેગા ઓક્શન અગાઉ દરેક ફ્રેંચાઇઝી વધુમાં વધુ 6 ખેલાડી રીટેન કરી શકે છે. જેમાં વધુમાં વધુ પ ઇન્ટરનેશનલ અને 2 અનકેપ્ડ ખેલાડી સામેલ થઈ શકે છે. ઇન્ટરનેશનલ પ્લેયર કોઈપણ દેશના હોય શકે છે, પણ અનકેપ્ડ પ્લેયર ભારતના જ હોવા જોઈએ. આ નિયમ અનુસાર કોઇ ટીમ 4 ઇન્ટરનેશનલ ખેલાડીને રીટેન કરે છે તો તે 2 અનકેપ્ડ ખેલાડીને રીટેન કરી શકે છે.

રિટેન થયેલા ખેલાડીઓમાં જે પહેલા નંબરનો હશે તેને 18 કરોડ આપવાના રહેશે. બીજા નંબરનાને 14 અને ત્રીજા ક્રમના ખેલાડીને 11 કરોડ મળશે. અનકેપ્ડ પ્લેયરને 4-4 કરોડ મળશે. જો કોઈ ફ્રેંચાઇઝી પ ઇન્ટરનેશનલ અને 1 અનકેપ્ડ ખેલાડી રીટેન કરશે તો તેના પર્સમાંથી 7પ કરોડ રૂપિયા કટ થઈ જશે.

દરેક ફ્રેંચાઇઝીને રાઇટ ટૂ મેચ કાર્ડ (આરએમટી)નો ઉપયોગ કરવાની પણ સુવિધા છે. દાખલા તરીકે સીએસકે પ ઇન્ટરનેશનલ ખેલાડી રીટેન કરે છે તો તેની પાસે એક આરએમટી કાર્ડ બચશે. ટીમ મોઇન અલીને રીટેન નથી કરતી. ઓક્શનમાં તેને આરસીબી 6 કરોડમાં ખરીદે છે. ત્યારે સીએસકે આરએમટી કાર્ડનો ઉપયોગ કરીને 6 કરોડ આરસીબીને ચૂકવી મોઇનને ફરી પોતાની ટીમમાં સામેલ કરી શકશે. આરએમટીમાં આ વખતે નવો નિયમ પર ઉમેરાયો છે. આરસીબી જો મોઇનની કિંમત વધારીને પોતાની ટીમમાં રાખવા માગશે તો સીએસકેએ એટલી વધારાની રકમ ચૂકવવી પડશે. દાખલા તરીકે મોઇન માટે આરસીબી 6 કરોડની રકમ વધારી 8 કરોડ નક્કી કરે તો સીએસકેએ 8 કરોડ ચૂકવવા પડશે અથવા ખસી જવું પડશે. નવા નિયમ અનુસાર વિદેશી ખેલાડીઓને 18 કરોડથી વધુની રકમ મળશે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક