ટીમ સાથે કોલકતા જશે નહીં : BCCI
ચેન્નાઇ/નોઇડા
તા. 27: ભારતની ટી-20 વિશ્વ કપ ટીમના ખેલાડી રિંકુ સિંહના પિતાનું કેન્સરની બીમારીને
લીધે શુક્રવારે વહેલી સવારે નોઇડાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. આથી રિંકુ
સિંહ ચેન્નાઇથી નોઇડા પહોંચ્યો હતો. આજે બપોરે અલિગઢ ખાતે રિંકુ સિંહના પિતા ખાનચંદ
સિંહના અંતિમ સંસ્કાર થયા હતા. જેમાં રિંકુ સિંહ હાજર રહ્યો હતો.
આ દરમિયાન
બીસીસીઆઇએ જાણકારી આપી છે કે રિંકુ સિંહ રવિવારે કોલકતામાં રમાનાર સુપર-8 રાઉન્ડના
વેસ્ટ ઇન્ડિઝ સામેના મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત
સૈકિયાએ જણાવ્યું કે બીસીસીઆઇ રિંકુ સિંહ અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરે
છે. મુશ્કેલની આ સ્થિતિમાં બોર્ડ રિંકુ સિંહના સાથમાં છે. તે રવિવારે વર્લ્ડ કપના સુપર-8ના
વેસ્ટ ઇન્ડિઝ સામેના મેચ માટે ટીમ સાથે કોલકતા જશે નહીં.
અત્રે
એ ઉલ્લેખનિય રહેશે કે રિંકુ સિંહ ઝિમ્બાબ્વે સામેના મેચ અગાઉ પણ ટીમનો સાથ છોડી ચેન્નાઇથી
નોઇડા પિતાની ખબર-અંતર માટે પહોંચ્યો હતો. બાદમાં તે બુધવારે સાંજે ટીમ સાથે જોડાયો
હતો. જો કે ઝિમ્બાબ્વે સામેના મેચમાં તેને ઇલેવનમાં તક મળી ન હતી. તેના સ્થાને સંજૂ
સેમસનને રમાડવામાં આવ્યો હતો.