ભારત-પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં સહ પાયલટ બનીને ઈતિહાસ રચ્યો
નવી
દિલ્હી, તા. 27 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શુક્રવારે રાજસ્થાનના જૈસલમેરમાં સ્વદેશી
હળવા યુદ્ધ હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરી હતી. રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન બોર્ડર
પાસે પ્રચંડમાં સહ પાયલોટ તરીકે ઉડાન ભરીને ઈતિહાસ રચી દીધો હતો. તેઓ સ્વદેશી યુદ્ધ
હેલિકોપ્ટરમાં સહપાયલટ બનીને ઉડાન ભરનારા પહેલા ભારતીય રાષ્ટ્રપતિ બન્યા છે.
ભારતીય
સશત્ર દળના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિએ ઉડાન દરમિયાન કોકપીટમાંથી રાષ્ટ્રના નામે
સંદેશ પણ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રચંડ હેલિકોપ્ટર આત્મનિર્ભરતાનું એક સશક્ત
પ્રતિક છે. વર્તમાન સમયે તેઓ જૈસલમેર જિલ્લાની ઉપર ઉડાન ભરી રહ્યા છે. તેઓ વીર સૈનિકોને
શુભકામનાઓ પાઠવે છે. રાષ્ટ્રપતિ મુર્મૂની ઉડાન લગભગ 25 મિનિટ સુધી ચાલી હતી.
હેલીકોપ્ટર
પોખરણ ફાયરિંગ રેંન્જ ઉપરથી પસાર થયું હતું.
જ્યાં ભારતીય વાયુસેના સાંજે વાયુ શક્તિ નામનું પ્રદર્શન કરવાની હતી. આ અગાઉ રાષ્ટ્રપતિ
મુર્મૂએ અંબાલામાં રાફેલ યુદ્ધ વિમાનમાં ઉડાન ભરી હતી જ્યારે 2023મા તેજપુર વાયુસેના
સ્ટેશને સુખોઈ-30 એમકેઆઈ યુદ્ધ વિમાનમાં લગભગ 30 મિનિટ સુધી ઉડાન ભરી હતી.