• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

કંટેન્ટ માટે ડિજીટલ પ્લેટફોર્મે કમાણીનો હિસ્સો પણ વહેંચવો પડશે

મૌલિક અને અસલી સામગ્રી પીરસતા કંટેન્ટ ક્રિએટર્સનાં હિતમાં અવાજ બુલંદ બનાવતી સરકાર

નવી દિલ્હી, તા.26: ડિજીટલ દુનિયામાં કંટેન્ટ બનાવતા લોકોનાં હકમાં સરકારે અવાજ બુલંદ બનાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજીટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિયેશન(ડીએનપીએ) સંમેલન-2026માં કહ્યું હતું કે, સોશિયલ મીડિયા અને ડિજીટલ પ્લેટફોર્મ્સે હવે પોતાની કમાણીની વહેચણી માટેની નીતિમાં ફેરવિચાર કરવો પડશે. જે લોકો મૌલિક અને અસલી સામગ્રી બનાવે છે તેમને તેમની મહેનતો વાજબી હિસ્સો પણ મળવો જોઈએ. હવે દરેક સ્થાને આ નિયમને યોગ્ય કરવો પડશે.

ડીએનપીએ સંમેલનને સંબોધતા વૈષ્ણવે સ્પષ્ટ કહ્યું હતું કે, નફાની વહેચણી માત્ર ચુનંદા લોકો સુધી સીમિત રહેવી જોઈએ નહીં. તેમનાં કહેવા અનુસાર આમાં ન્યૂઝ પ્રોફેશ્નલ્સ, પરંપરાગત મીડિયા, ક્રિએટર્સ, ઈન્ફ્લુએન્સર પ્રોફેસર કે સંશોધકો સામેલ છે. જે લોકો ડિજીટલ પ્લેટફોર્મ ઉપર દર્શકોનો ટ્રાફિક અને જોડાણ વધારે છે અને તેમને આનાં માટે કમાણીનો હિસ્સો પણ મળવો જોઈએ.

તેમણે ટેક દિગ્ગજ કંપનીઓને ચેતવણીભર્યા સૂરમાં કહ્યું હતું કે, હવે એ સમય વીતી ગયો છે જ્યારે પ્લેટફોર્મ પોતાને માત્ર તટસ્થ માધ્યમ ગણાવીને પોતાની જવાબદારીથી બચી જતાં હતાં. સિદ્ધાંત હવે બિલકુલ સ્પષ્ટ હોવા જોઈએ. કંટેન્ટ ક્રિએટર્સ સાથે કમાણીનો ઉચિત ભાગ પડવો જોઈએ. જો પ્લેટફોર્મ આવું સ્વેચ્છાએ નહીં કરે તો દુનિયાનાં અનેક દેશોએ બતાવી દીધું છે કે, કાયદાનાં માર્ગેથી પણ આનું પાલન કરાવી શકાય છે. તેમણે આગળ કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હવે પોતાનાં દ્વારા હોસ્ટ કરવામાં આવેલા કંટેન્ટની જવાબદારી લેવી જોઈએ. આ સિદ્ધાંતનું પાલન ન થાય તો તેઓ જવાબદાર બનશે કારણ કે હવે ઈન્ટરનેટનું સ્વરૂપ બદલાઈ ગયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક