આજે ઓસ્ટ્રેલિયા સામે બીજો વન ડે મેચ
હોબાર્ટ
તા.26: વર્તમાન વિશ્વ વિજેતા ભારતીય મહિલા ટીમ પહેલા વન ડેમાં હાર સહન કર્યાં પછી હવે
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 3 મેચની શ્રેણી જીવંત રાખવા શુક્રવારે રમાનાર બીજા મેચમાં વિજયનું
લક્ષ્ય રાખશે. જો કે આ માટે ભારતીય મહિલા ટીમે રમતના ત્રણેય મોરચે ઉમદા દેખાવ કરવો
પડશે. પહેલા વન ડેમાં ભારતીય બેટર્સ ઝળકી ન હતી. બોલર્સ લાઇન લેન્થ ચૂક્યા હતા અને
ફિલ્ડીંગ સમયે ઘણા કેચ પડતા મુક્યા હતા. ભારતીય મહિલા ટીમે કયારે પણ ઓસ્ટ્રેલિયા સામેની
દ્વિપક્ષી શ્રેણી જીતી નથી. આ ફોર્મેટમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે.
બન્ને
દેશ વચ્ચે અત્યાર સુધીમાં 11 વન શ્રેણી રમાઇ છે. જેમાં તમામમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે
વિજય પ્રાપ્ત કર્યોં છે. જેમાં 2024ની 3-0 અને 202પની 2-1ની જીત સામેલ છે. પર 202પના
મહિલા વન ડે વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી જીતમાંથી હરમનપ્રિત
કૌરની ટીમ પ્રેરણા લઇ વિજયની કોશિશ કરશે.
પહેલા
વન ડેમાં ભારતીય મહિલા ટીમ સ્મૃતિ અને હરમનપ્રિતની અર્ધસદીથી ફકત 214 રન જ કરી શકી
હતી. આ ટાર્ગેટ ઓસ્ટ્રેલિયાએ આસાનીથી ચેઝ કરી લીધો હતો. કાંગારૂ કપ્તાન એલિસ હિલીની
આ વિદાય શ્રેણી છે. તેણી નિવૃત્તિ જાહેર કરી છે. આથી ઓસિ. ટીમ તેની કપ્તાનને શ્રેણી
વિજય સાથે વિદાય આપવા માગશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 9-20થી શરૂ થશે.