• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

વિન્ડિઝ સામે 9 વિકેટે વિજય હાંસલ કરી આફ્રિકા સેમિ ફાઇનલ ભણી

માર્કરમની 82 રનની કેપ્ટન ઇનિંગથી 177 રનનો વિજય લક્ષ્યાંક 16.1 ઓવરમાં હાંસલ કરી લીધો : એનગિડીની 3 વિકેટ

 

અમદાવાદ તા.26: એડન માર્કરમની 82 રનની અણનમ કેપ્ટન ઇનિંગની મદદથી વેસ્ટ ઇન્ડિઝ સામે 9 વિકેટે આક્રમક વિજય સાથે દ. આફ્રિકા ટીમ ટી-20 વર્લ્ડ કપના સેમિ ફાઇનલ નજીક પહોંચી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે દ. આફ્રિકાનો મહાવિજય ટીમ ઇન્ડિયા માટે રાહતજનક છે. સૂર્યસેના માટે સેમિ ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ સાફ થઇ ગયું છે. હવે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડિઝ સામે હરહાલમાં વિજય મેળવવાનો રહેશે. આફ્રિકાના 2 મેચમાં 4 પોઇન્ટ છે અને તેનો નેટ રન રેટ 2.890 છે. આથી અંતિમ મેચમાં કદાચ ઝિમ્બાબ્વે સામે હાર મળશે તો પણ તે સેમિમાં પહોંચી જશે તેવી સ્થિતિમાં છે.

આજના મેચમાં આફ્રિકાએ 177 રનનો વિજય લક્ષ્યાંક ફકત 16.1 ઓવરમાં 23 દડા બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. કેપ્ટન એડન માર્કરમ 46 દડામાં 7 ચોક્કા-4 છક્કાથી 82 રને અને રિયાન રિકલટન 28 દડામાં 4 ચોક્કા-2 છક્કાથી 4પ રને અણનમ રહ્યા હતા. ડિ’કોક 24 દડામાં 4 ચોક્કા-4 છક્કાથી 47 રને આઉટ થયો હતો. માર્કરમ-ડિ’કોક વચ્ચે પહેલી વિકેટમાં 48 દડામાં 9પ રનની ભાગીદારી થઇ હતી. માર્કરમ-રિકલટને બીજી વિકેટમાં પ0 દડામાં 82 રનનો ઉમેરો કર્યોં હતો.

અગાઉ આફ્રિકી કેપ્ટન એડન માર્કરમનો ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લગભગ સફળ રહ્યો હતો. આફ્રિકી પેસ બોલર ઇનિંગની ત્રીજી ઓવરથી ત્રાટકયા હતા અને આ સિલસિલો 11મી ઓવર સુધી ચાલુ રહ્યો હતો. આ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝના ટોપ ઓર્ડર બેટર્સની આવન-જાવન ચાલુ રહી હતી અને 83 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.

દબાણની આ સ્થિતિમાં બે પૂંછડિયા ખેલાડી અનુભવી ઓલરાઉન્ડર જેસન હોલ્ડર અને રોમારિયો શેફર્ડે આફ્રિકી બોલર્સ સામે કાઉન્ટર એટેક કર્યોં હતો. આ બન્ને વચ્ચે આઠમી વિકેટમાં ફકત પ7 દડામાં 89 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જો કે અંતિમ ઓવરમાં આ બન્ને 13 રન જ ઉમેરી શકયા હતા. આમ છતાં 20 ઓવરમાં વિન્ડિઝનો સ્કોર 8 વિકેટે 176 રન સુધી પહોંચી ગયો હતો.

હોલ્ડર અંતિમ ઓવરમાં રન આઉટ થયો હતો. તેણે 31 દડામાં 4 ચોક્કા-3 છક્કાથી 49 અને શેફર્ડે 37 દડામાં 3 ચોક્કા-4 છક્કાથી અણનમ પ2 રન કર્યાં હતા. આફ્રિકા તરફથી લૂંગી એનગિડીએ 3 વિકેટ લીધી હતી. રબાડા અને બોશને 2-2 વિકેટ મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક