• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

ઓસ્ટ્રેલિયા સામે ભારતીય મહિલા ટીમે સતત 12મી વન ડે શ્રેણી ગુમાવી બીજા મેચમાં જોર્જિયા વોલની સદીથી ઓસિ. મહિલા ટીમનો 5 વિકેટે વિજય

હોબાર્ટ, તા.27: વિશ્વ વિજેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા સામેની દ્રિપક્ષી વન ડે શ્રેણી હારવાનો ક્રમ યથાવત રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય મહિલા ટીમે સતત 12મી વન ડે શ્રેણી ગુમાવી છે. આજે રમાયેલા બીજા મેચમાં ભારત સામે ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો 83 દડા બાકી રહેતા પ વિકેટે સરળ વિજય થયો હતો. 2પ2 રનનો વિજય લક્ષ્યાંક એલિસા હિલીની ટીમે 36.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

ઓસ્ટ્રેલિયા તરફથી પ્લેયર ઓફ ધ મેન બનેલ જોર્જિયા વોલે 82 દડામાં 13 ચોક્કા-1 છક્કાથી 101 રનની ઇનિંગ રમી હતી જ્યારે ફિબી લિંચફિલ્ડે 62 દડામાં 11 ચોક્કા-1 છક્કાથી 80 રન કર્યા હતા. આ બન્ને વચ્ચે બીજી વિકેટમાં 119 રનની ભાગીદારી થઇ હતી. બેન મૂનીએ 31 રન કર્યાં હતા. કપ્તાન એલિસા હિલી 6 રને આઉટ થઇ હતી. ભારત તરફથી કાશવી ગૌતમ અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી હતી.

અગાઉ ભારતીય મહિલા ટીમે ઓપનર પ્રતિકા રાવલના 81 દડામાં 6 ચોક્કાથી પ2 અને કપ્તાન હરમનપ્રિત કૌરના 70 દડામાં 2 ચોક્કા-1 છક્કાથી પ4 રનની મદદથી 9 વિકેટે 2પ1 રન કર્યાં હતા. સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ 31 રનનું યોગદાન આપ્યું હતું. રીચા ઘોષે 22 અને કાશવી ગૌતમે 2પ રન કર્યાં હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લી ગાર્ડનર, અનાબેલ સદરલેન્ડ અને એલેના કિંગને 2-2 વિકેટ મળી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક