• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

પીવી સિંધુ ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં, આજે કોરિયન ખેલાડી યંગ સામે ટક્કર

-રોમાંચક મુકાબલામાં અકેચીને હરાવી ટાઇટલ ક્લેશમાં પ્રવેશી

પેરિસ, તા.24 ઃ બે વખતની ઓલિમ્પિક મેડાલિસ્ટ ભારતીય શટલર પી વી સિંધુએ શનિવારે પેરિસ ખાતે જાપાનની હિના અકેચી સામે ત્રણ ગેમની રોમાંચક લડતમાં વિજય મેળવીને પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટાઇટલ મેચમાં સિંધુનો સામનો વિશ્વની નંબર વન દક્ષિણ કોરિયન ખેલાડી એન સે યંગ સામે થશે.

સિંધુએ જુલાઈમાં જાપાન ઓપન સુપર 750 જીત્યું હતું. તેણે શાનદાર ફોર્મ જાળવી રાખતાં વિશ્વની 22 નંબરની અકેચી સામે 1 કલાક અને 13 મિનિટ ચાલેલા મુકાબલામાં 21-10, 20-22, 21-16થી વિજય મેળવ્યો હતો. ત્રીજી ગેમમાં ભારે સંઘર્ષ જોવા મળ્યો હતો. સ્કોર 15-15ની બરાબરી પર પહોંચ્યો હતો. આ તબક્કે સિંધુએ પરિપક્વતા દાખવતા એક થકવી દેનારી 38-શોટની રેલી જીતી 18-16ની સરસાઈ મેળવી હતી અને અંતે શાનદાર ક્રોસ-કોર્ટ સ્મેશ ફટકારી 21-16થી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. ફાઇનલમાં સિંધુ સામે એન સે યંગનો સૌથી મોટો પડકાર રહેશે, જેની સામે અગાઉની તમામ 10 મેચોમાં સિંધુનો પરાજય થયો છે. જોકે, પેરિસમાં તેનું હાલનું પ્રદર્શન બીજા સુપર 750 ટાઇટલની આશા જગાવે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક