જુલાઈ 2021 થી જૂન 2024 સુધીનું 131% એરિયર્સ રોકડમાં ચૂકવવા માટે પણ રાજ્ય સરકારની મંજૂરી
(અમારા
પ્રતિનિધિ તરફથી, ) અમદાવાદ,તા.24 : દિવાળીના પાવન પર્વ ટાણે ગુજરાતના હજારો વરિષ્ઠ
નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારો માટે અત્યંત આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય
સરકારે નાણા વિભાગના માધ્યમથી પાંચમા પગાર પંચ હેઠળ આવરી લેવાયેલા નિવૃત્ત કર્મચારીઓ
માટે ઐતિહાસિક સુધારો કર્યો છે. આ સુધારા અંતર્ગત મોંઘવારી ભથ્થું 381% થી વધારીને
સીધું 443% સુધી પહોંચાડવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરકારે લાંબા સમયથી બાકી રહેલા
તબક્કાવાર એરિયર્સની રોકડ ચૂકવણી માટે પણ મંજૂરી આપતાં વરિષ્ઠ નાગરિકોમાં ખુશીની લહેર
દોડી ગઈ છે.
દિવાળી
પૂર્વે રાજ્યના સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે આર્થિક રાહતના પગલાં જાહેર
કરવાની પરંપરા રહી છે. આ વર્ષે પણ નાણા વિભાગ દ્વારા વિશેષ કાળજી દાખવીને પાંચમા પગાર
પંચ મુજબ પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકોના મોંઘવારી ભથ્થામાં માતબર વધારો કરવાનો વહીવટી
નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે સામાન્ય સરકારી પેન્શનરોની સાથે સાથે ફેમિલી
પેન્શન મેળવતી વિધવાઓ અને આશ્રિતોને પણ સીધો નાણાકીય ટેકો મળશે. મોંઘવારીના આ યુગમાં તહેવારોની ખરીદી
પહેલાં ખાતામાં વધારાની રકમ જમા થવાથી પરિવારોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
નાણા
વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અનુસાર, આ સમગ્ર જાહેરાતનો લાભ મુખ્યત્વે પાંચમા
પગાર પંચના માળખા હેઠળ રહેલા પેન્શનરોને મળશે. સરકારે મોંઘવારી ભથ્થાના દરમાં તબક્કાવાર
સમીક્ષા હાથ ધરીને જૂના 381% ના દરને બદલીને ક્રમશ: 443% સુધી વિસ્તૃત કર્યો છે. આ
સુધારાથી માસિક પેન્શનની આવકમાં મોટો ઉછાળો જોવા મળશે, જેના કારણે નિવૃત્ત કર્મચારીઓના
જીવનધોરણમાં સ્થિરતા આવશે. જુલાઈ 2021 થી જૂન 2024 સુધીનું 131% એરિયર્સ રોકડમાં ચૂકવવા
નાણા વિભાગે સત્તાવાર ઠરાવ કર્યો છે.
મોંઘવારી
ભથ્થામાં તબક્કાવાર થયેલો વધારો : કયા સમયે કેટલો દર નક્કી થયો?
નાણા
વિભાગે સમગ્ર પ્રક્રિયાને નિયત સમયરેખા મુજબ ગોઠવીને પેન્શનરોના હિતમાં તારીખોની સ્પષ્ટતા
કરી છે: જુલાઈ 2022 થી જાન્યુઆરી 2024 સુધીના ગાળા માટે તબક્કાવાર મોંઘવારી ભથ્થાની
નવી ગણતરી મંજૂર કરવામાં આવી છે. જુલાઈ 2023 થી અમલી બને તે રીતે મોંઘવારી ભથ્થાનો
દર વધારીને 427% નિર્ધારિત કરાયો છે. જાન્યુઆરી 2024 થી પેન્શનરોને સંપૂર્ણ 443% ના
ઉચ્ચતમ દરે મોંઘવારી રાહત ચૂકવવાનો આદેશ થયો છે.