• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

મોરબી ઇઅઙજ સ્વામિનારાયણ મંદિરનો આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

ઠાકોરજીની શોભાયાત્રામાં સંતો-મહંતોની સાથે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટયાં

મોરબી તા.24 : ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામ જેવા અનેક મંદિરોના નિર્માણ દ્વારા સનાતન સંસ્કૃતિનું ગૌરવ વધારનાર વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના શુભ સંકલ્પથી અને અમેરિકા, અબુધાબી તથા પેરિસ જેવા વિશ્વવિખ્યાત મંદિરોના સર્જક પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના પુરુષાર્થથી મોરબીને આંગણે મચ્છુ નદીના તટે ગુલાબી પથ્થરનું ભવ્ય અને દિવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામ્યું છે.

આવતીકાલે તા.25ને રવિવારે યોજાનારા ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા વિધિના પૂર્વાર્ધ રૂપે, આજરોજ નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ઠાકોરજીની મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા શહેરના તમામ પ્રજાજનો ઉપર આશીર્વાદ વરસાવવા માટે મોરબીના રાજમાર્ગો પર નીકળી હતી. આ  ઐતિહાસિક શોભાયાત્રાના પ્રારંભે વડીલ સંતો અને મહાનુભાવો દ્વારા સુશોભિત રથની પૂજનવિધિ કરી, શાંતિપાઠના ગાન બાદ રથયાત્રાનું મંગલ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રામાં ભારત અને વિદેશના હજારો હરિભક્તો, સ્વયંસેવકો તથા મોરબીવાસીઓ અદમ્ય આનંદ, ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયા હતા. સમગ્ર શોભાયાત્રામાં 500 સંતો, 5,000 પુરુષ ભક્તો અને 6,000 મહિલા ભક્તો સહિત વિશાળ જનમેદની જોડાઈ હતી, જેણે મોરબીવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. યાત્રા બપોરે રામેશ્વર પાર્ટી પ્લોટથી શરૂ થઈ ગોલ્ડન માર્કેટ, કેપિટલ માર્કેટ, બાપા સીતારામ ચોક, ગાંધી ચોક, નહેરુ ગેટ, મહાનગરપાલિકા, પોસ્ટ ઓફિસ અને શક્તિ ચોક ગરબી મંડળ થઈને બેઠા પુલ નીચેથી પસાર થઈ કુલ 6.5 કિલોમીટરનું અંતર કાપી નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે વિરામ પામી હતી. આવતીકાલે સવારે મહંતસ્વામી મહારાજના હસ્તે ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા વિધિ અને સાંજે મંદિર લોકાર્પણ સમારોહ યોજાશે.

મુખ્યમંત્રી આજે મોરબીમાં, મહોત્સવમાં હાજરી આપશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રવિવારે મોરબી શહેરની મુલાકાતે આવી રહ્યા છે, તેઓ અંદાજિત 4 કલાક સુધી રોકાણ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ વિવિધ રાજકીય બેઠકો, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને ધાર્મિક મહોત્સવમાં હાજરી આપવાના છે. વીઆઈપી મુલાકાતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. મુખ્યમંત્રી બપોરે 2 વાગ્યાની આસપાસ રવાપર ગામ પાછળ ખાસ તૈયાર કરવામાં આવેલા હેલિપેડ પર આવી પહોંચશે ત્યાંથી તેઓનો કાફલો સીધો કમલમ ખાતે જશે, જ્યાં એક મહત્વની માટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. માટિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ સંભવત સ્વ.પ્રવીણભાઈ ભાલોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જશે. ત્યાંથી ન્યૂ પેલેસ ખાતે જઈને સ્વ.રાજામાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જશે. ત્યારબાદ તેઓ સીધા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ રહેલા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે અને ત્યાં દર્શનનો લાભ લેશે.

શોભાયાત્રાના મુખ્ય આકર્ષણો અને કલાત્મક રથો

નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થનારા ભગવાનના પવિત્ર સ્વરૂપો અને ગુણાતીત ગુરુપરંપરાની દિવ્ય મૂર્તિઓએ અતિ સુંદર અને આકર્ષક રથોમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપ્યા હતાં.

            હંસ રથ: અક્ષરપુરુષોત્તમ મહારાજ અને સ્વામીશ્રી

            મયૂર રથ: રાધાકૃષ્ણ ભગવાન

સિરામિક રથ: નીલકંઠવર્ણી મહારાજ (મોરબીની સિરામિક કલાની ઝાંખી સાથે)

            મચ્છુ રથ: ઘનશ્યામ મહારાજ

            કૈલાસ રથ: શિવ પંચાયતન

            સૂર્ય રથ: રામ પંચાયતન

ગુરુપરંપરાના વિશેષ રથો:  પ્રમુખસ્વામી મહારાજનો કમલ રથ, મહંતસ્વામી મહારાજનો ફાઇબર મયૂર રથ, ભગતજી મહારાજનો કમલ રથ તેમજ કુટિર રથ.

ઇ-પેપરના નવા શુલ્ક