(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.24: અમદાવાદના સનાથલ સર્કલ પાસે આવેલા નવાપુરા ગામની સીમમાં સ્થિત એક કંપનીના વેરહાઉસમાંથી
રાતના સમયે તસ્કરોએ રૂ.1 કરોડના કિંમતી ઈલેક્ટ્રોનિક્સ માલસામાનની ચોરી કરી હોવાની
ઘટના સામે આવી છે. વેરહાઉસ પાછળના ખુલ્લા ખેતરમાંથી બુકાની બાંધેલા કેટલાક તસ્કરો આવ્યા
હતા અને વેરહાઉસનું પતરું ખોલીને હાથફેરો કરી રફુચક્કર થઈ ગયા હતા. બનાવ અંગે ચાંગોદર
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદના
નવાપુરા ગામની સીમમાં આવેલા વેરહાઉસમાં તા.21ની રાત્રે એકથી દોઢ વાગ્યાની આસપાસ સિક્યોરિટી
ગાર્ડ વેરહાઉસની તપાસ કરી રહ્યો હતો. દરમિયાન પાછળના ભાગનાં પતરાં તૂટેલી હાલતમાં જોવા
મળ્યાં હતાં. અંદર તપાસ કરતાં વિવિધ પાર્સલ પણ તૂટેલા હતા અને તેમાંથી કિંમતી સામાન
ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ઇન્ગ્રામ માઇક્રો કંપનીના વેરહાઉસમાં મેનેજર
તરીકે ફરજ બજાવતા સુધીર નાયરને જાણ કરવામાં આવતાં તેઓ તાત્કાલિક વેરહાઉસ ખાતે પહોંચ્યા
હતા. ત્યારબાદ સામાનની તપાસ કરતાં મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ચોરી થઈ હોવાનું
જાણવા મળ્યું હતું.
ગઠિયાઓ
40 નંગ આઈફોન-17, 30 આઈફોન-16, 15 ડેલ લેપટોપ, 11 એચ.પી. લેપટોપ, 36 એપલ વોચ, 20 આઈપેડ
કીબોર્ડ, આઈપેડ પ્રો અને લેપટોપની બેગ સહિત અન્ય સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમદાવાદ
ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે પણ તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ચોરીમાં વેરહાઉસની
અંદરની માહિતી ધરાવતી કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતા પણ તપાસમાં આવી રહી છે.