• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

જૂનાગઢમાં વેપારી પાસેથી 3.43 લાખના દાગીનાની લૂંટ, બે ઝડપાયા

ગ્રાહક બની દાગીના ખરીદવાનું નાટક કરી છરી બતાવી લૂંટ ચલાવી : રાજકોટના બે શખસ પાસેથી દાગીના, રોકડ, છરી અને કાર કબજે

જૂનાગઢ, તા.24: જૂનાગઢમાં વેપારીને છરી બતાવી 3.43 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવવાના બનાવમાં પોલીસે રાજકોટના બે શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે લૂંટમાં ગયેલા દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢના ચોકસી બજારમાં જ્વેલર્સની દુકાન ધરાવતા 55 વર્ષીય મુજીબર રહેમાન ખલીબ રહેમાન શેખની દુકાને મિહિર ઉર્ફે યશ અશ્વિન વાળા ગ્રાહક બની આવ્યો હતો. તેણે દાગીના ખરીદવાનું નાટક કરી 42.740 ગ્રામના, 3,43,833ની કિંમતના દાગીના પસંદ કર્યા હતા. ત્યારબાદ પૈસા આંગડિયામાંથી લેવાના હોવાનું કહી વેપારીને પોતાની કારમાં બેસાડયો હતો.

જૂની સિવિલ હોસ્પિટલ પાસે કારમાં રોકડ હોવાનું બતાવી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. વેપારીએ પૈસા ગણવાનું કહેતાં આરોપીએ છરી બતાવી દાગીના આપી દેવા ધમકી આપી હતી અને વેપારીને ધક્કો મારી નીચે પાડી દીધા બાદ સાગરીત સાથે ભાગવા લાગ્યો હતો. જોકે, લોકોએ કાર અટકાવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મિહિર ઉર્ફે યશ વાળા અને કુલદીપ શિવુભા વાળાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી દાગીના, છરી, રોકડ અને કાર કબજે કરાયાં છે. પોલીસના જણાવ્યા મુજબ કુલદીપ સામે 11 અને મિહિર સામે રાજકોટમાં એક ગુનો નોંધાયેલો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક