• સોમવાર, 02 નવેમ્બર, 2026

ન્યૂઝીલેન્ડ સામે પાંચમી ટી-20 મેચમાં ભારતનો 7 વિકેટે પરાજય

-સિફર્ટ અને ફિલિપ્સની વિસ્ફોટક બાટિંગ, શ્રેણી 3-2થી ભારતને નામે

 નવી દિલ્હી, તા.1: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચ મેચોની ટી20 શ્રેણીની આખરી મેચમાં કિવી ટીમે વાપસી કરતાં ભારતને 7 વિકેટે હરાવ્યું છે. જોકે, શ્રેણીના શરૂઆતના ત્રણ મુકાબલા જીતીને ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 3-2થી પોતાના નામે કરી લીધી છે.

 ટોસ હારીને પ્રથમ બાટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. એડમ મિલ્નેએ બંને ઓપનરો અભિષેક શર્મા (1) અને સંજુ સેમસન (4)ને સસ્તામાં પેવેલિયન ભેગા કર્યા હતા. આ મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશને ત્રીજી વિકેટ માટે 93 રનની આક્રમક ભાગીદારી નોંધાવી હતી. ઈશાન કિશને માત્ર 32 બોલમાં 61 રન ફટકાર્યા હતા, જ્યારે શ્રેયસ અય્યરે 22 બોલમાં ઝડપી અર્ધસદી પૂરી કરી હતી. મધ્યમ ક્રમમાં નમન ધીરે 23 બોલમાં 33 રનનું યોગદાન આપતાં ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 191 રનનો સ્કોર બનાવ્યો હતો. કિવી ટીમ તરફથી એડમ મિલ્નેએ 4 વિકેટ, જ્યારે નાથન સ્મિથ અને બ્લેયર ટિકનરે 2-2 વિકેટ ઝડપી હતી.

 192 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડે ફિન એલન (2)ની વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી, જેને અર્શદીપ સિંહે પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ ટિમ સિફર્ટે ઝડપી ઇનિંગ રમી હતી. સિફર્ટે ડેરીલ મિશેલ (29) સાથે 73 રનની ભાગીદારી કરી હતી અને 93 રનની મેચ-વાનિંગ ઇનિંગ રમી હતી. ટીમનો સ્કોર 168 રન હતો ત્યારે સિફર્ટ નીતિશ રેડ્ડીની બાલિંગમાં પ્લેડ-ઓન થયો હતો. જોકે, ગ્લેન ફિલિપ્સે અણનમ 65 રનની ઇનિંગ રમી 18 ઓવરમાં જ 3 વિકેટે 195 રન બનાવી ટીમને જીત અપાવી હતી. ભારત તરફથી અર્શદીપ, નીતિશ અને વરુણ ચક્રવર્તીને 1-1 સફળતા મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક