-નવ હોક વિમાનોએ 40 મિનિટ સુધી હવાઈ કરતબો દ્વારા સર્જ્યો રોમાંચ; ત્રિરંગી ધુમાડાથી આકાશ બન્યું રંગીન
ભાવનગર,તા.1
: ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત બોરતળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ
‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા ભવ્ય એર શૉ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં
નગરજનો ઉમટી પડયા હતા.
કેન્દ્રીય
રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, કૃષિમંત્રી જીતુ વાઘાણી અને મેયર ઉષાબેન તલરેજાની ઉપસ્થિતિમાં
યોજાયેલા આ પ્રદર્શનમાં વાયુસેનાના નવ લાલ-સફેદ રંગનાં હોક એમકે-132 જેટ વિમાનોએ આકાશમાં
એકસાથે ઉડાન ભરી હતી. પાયલટ્સે અદભુત તાલમેલ અને કુશળતાના બળે વિવિધ ફોર્મેશન, લૂપ્સ,
રોલ્સ તથા વિંગટિપ-ટુ-વિંગટિપ જેવા રોમાંચક કરતબો રજૂ કર્યા હતા.
આકાશમાં
વિમાનોએ કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડાથી ત્રિરંગી છટા ઉપસાવતાં ઉપસ્થિત લોકોમાં
દેશભક્તિનો ઉત્સાહ છવાઈ ગયો હતો. આશરે 30થી 40 મિનિટ સુધી ચાલેલા આ પ્રદર્શને ભાવેણાવાસીઓને
મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ બેન્ડ દ્વારા
30 મિનિટની દેશભક્તિપૂર્ણ સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. બેન્ડના સભ્યોનું સન્માન
પણ કરાયું હતું. એર શૉ માટે વિમાનોનું સંચાલન બરોડાથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, ધારાસભ્યો સેજલબેન પંડયા, ગૌતમ ચૌહાણ, ભીખાભાઈ બારૈયા
સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.