• સોમવાર, 02 નવેમ્બર, 2026

મણિપુરમાં હિંસા ભડકી, ગોળીબારમાં 5 મૃત્યુ

 હજારો લોકોનું રસ્તા પર ઊતરી ભાજપ સરકારને અલ્ટિમેટમ

ઇમ્ફાલ, તા. 1 : અશાંત મણિપુરમાં હિંસા અને તણાવ ઓછવાનું નામ નથી લઈ રહ્યો. મણિપુરના નોની જિલ્લામાં સશત્ર જૂથો વચ્ચે થયેલી ભીષણ ગોળીબારની ઘટનામાં પાંચ લોકોનાં મોત થયાં છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ, આ સતત હિંસા અને રાજ્ય સરકારની નિક્રિયતા સામે રોષે ભરાયેલા નાગરિકોએ રાજધાની ઇમ્ફાલમાં એક વિશાળ રેલી યોજીને સરકારને ‘ફાઇનલ વોર્નિંગ’ આપી છે.

મળતી માહિતી મુજબ, નોની જિલ્લાના નુંગબા પોલીસ સ્ટેશન અંતર્ગત કેકરુ નાગા ગામમાં અજ્ઞાત સશત્ર બદમાશો અને જૂથો વચ્ચે અચાનક ભારે ગોળીબાર શરૂ થયો હતો. આ હિંસક અથડામણમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, મૃત્યુ પામનારા તમામ લોકો પાસેથી હથિયારો અને ગોળા -બારૂદ પણ મળી આવ્યા છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

કુકી આદિવાસી સંગઠન ‘કુકી ઇનપી મણિપુર’એ આરોપ લગાવ્યો છે કે, આ હત્યાઓ પાછળ એનએસસીએન-આઈએમ અને ઝેલિયાંગ્રોંગ યુનાઇટેડ ફ્રન્ટના સશત્ર કેડરોનો હાથ છે. સંગઠને તંત્ર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું છે કે, પૂરતી સુરક્ષાના અભાવે ગ્રામીણોએ પોતાનાં રક્ષણ માટે આગળ આવવું પડે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં અને હિંસા ન અટકતાં શનિવારે ઇમ્ફાલની સડકો પર હજારો લોકોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. ‘કો-ઓર્ડિનાટિંગ કમિટી ઓન મણિપુર ઇન્ટિગ્રિટી’ અને અનેક નાગરિક સમાજ સંગઠનોના નેતૃત્વ હેઠળ આ મહારેલી યોજાઈ હતી. આ પ્રદર્શનમાં ખીણ અને પહાડી વિસ્તારોના લોકો તેમજ નાગા સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. 

પ્રદર્શનકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે, વર્તમાન ભાજપ સરકાર રાજ્યમાં શાંતિ સ્થાપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે, તેથી કાં તો સરકારે કડક પગલાં લઈને સંપૂર્ણ શાંતિ બહાલ કરવી જોઈએ અથવા તો સત્તા પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

વિરોધ રેલી બાદ એક છ સૂત્રીય પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યમાં તાત્કાલિક અને કાયમી શાંતિની સ્થાપના કરવી. વિસ્થાપિત થયેલા હજારો લોકોની સુરક્ષિત ઘરવાપસી સુનિશ્ચિત કરવી. કુકી-જો ઉગ્રવાદી સંગઠનો સાથેના   ‘સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ’ સમજૂતીને રદ કરીને કડક ઓપરેશન શરૂ કરવું. એનઆરસીને 1951ને આધાર વર્ષ માનીને લાગુ કરવું.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક