• સોમવાર, 02 નવેમ્બર, 2026

રામલીલા મેદાન બન્યું કુરુક્ષેત્ર : વિપક્ષનું શક્તિપ્રદર્શન, ભાજપે કહ્યું, સૂરસૂરિયું

- 2024ની લોકસભા ચૂંટણી સહિત પછીની તમામ ચૂંટણીને વિપક્ષે ગણાવી અવૈધ : રાહુલે કહ્યું, જ્ઞાનેશ જેલમાં જશે અને મોદી-શાહ સામે પણ કાર્યવાહી થશે

-ભાજપે કહ્યંy, 10 લાખની મેદની ક્યાં ? અડધી ખુરશી ખાલી રહ્યાનો દાવો

નવીદિલ્હી, તા.1 : ચૂંટણી પંચની પારદર્શકતા અને નિષ્પક્ષતા, મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી)ના નિર્ણયો સામે સવાલો ઉઠાવતા વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આજે રામલીલા મેદાનને કુરુક્ષેત્ર બનાવીને કેન્દ્રની મોદી સરકાર ઉપર જબરદસ્ત આક્રમણ ચલાવ્યું હતું. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે રામલીલા મેદાનમાં બુલંદ અવાજે હુંકાર કર્યો હતો કે, સીઈસી જ્ઞાનેશ કુમારને જેલમાં ધકેલવામાં આવશે અને મોદી પણ ક્યાંય જઈ શકશે નહીં. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ મોદી સરકારને સત્તામાંથી હટાવવાના હાકલા-પડકારા કર્યા હતા. વિપક્ષનાં આજનાં શક્તિ પ્રદર્શનમાં રાહુલ ગાંધી ઉપરાંત સોનિયા ગાંધી, પ્રિયંકા વાડ્રા, અખિલેશ યાદવ, મમતા બેનરજી, તેજસ્વી યાદવ સહિતના નેતાઓ સામેલ થયા હતા. આજની આ સભામાં વિપક્ષે છેલ્લાં બે વર્ષમાં યોજાયેલી ચૂંટણીઓને અવૈધ ગણાવી નાખી હતી. સામે પક્ષે ભાજપે વિપક્ષનાં આ પ્રદર્શનને નિષ્ફળ ગણાવતાં કહ્યું હતું કે, 10 લાખ લોકોને એકત્ર કરવાનાં દાવા સામે રામલીલા મેદાન ઘણું ખાલી રહ્યું હતું.

ચલો દિલ્હી રેલીમાં કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને 10 લાખ લોકોની મેદની એકત્ર કરવાનો દાવો કરેલો. તેની સામે રામલીલા મેદાન આજે ખીચોખીચ ભરાઈ પણ ગયું હતું. રામલીલા મેદાનની ક્ષમતા પ0 હજાર લોકોની હતી અને તેની સામે 3000 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી સહિતના તમામ વિપક્ષી નેતાઓ રામલીલા મેદાન સુધી ચાલીને જવાનાં બદલે માર્ગો ઉપર ભીડને ધ્યાને રાખીને એક ખુલ્લી બસમાં મેદાન સુધી પહોંચ્યા હતા અને તેમને ત્યાં પહોંચતા દોઢેક કલાકનો સમય લાગી ગયો હતો.

મેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ સરકાર, ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમાર ઉપર સણસણતા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ કોઈ રાજકીય દળ કે નેતાનો અવાજ  નથી બલકે યુવાનો, કિસાનો અને મજૂરોનો અવાજ છે. હિન્દુસ્તાનમાં લોકતંત્રને ખતમ થવા દેવાશે નહીં. બંધારણને નષ્ટ થવા નહીં દેવાય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જ્ઞાનેશ કુમારને એક સંદેશ આપવાનો હતો અને તે આજની સભાથી આપી દેવાયો છે.

વર્ષોથી દેશમાં વોટચોરી થતી હોવાનો આક્ષેપ કરતા રાહુલે પશ્ચિમ બંગાળનું ઉદાહરણ ટાંક્યું હતું અને કહ્યું હતું કે, મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ મતચોરી થઈ હતી. આ ચૂંટણીઓ રદ થવી જોઈએ.

રાહુલે આગળ કહ્યું હતું કે, તેઓ જે કહે છે તેવું વાસ્તવમાં બને છે. કોવિડમાં પણ એવું જ થયું હતું અને જ્ઞાનેશ કુમારમાં પણ થશે જ. તેઓ સીઇસી પદેથી હટશે અને જેલ પણ જશે. ત્યારબાદ મોદી અને શાહ સામે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે અને કોઈને ભાગવાનો મોકો પણ મળવાનો નથી.

કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ કહ્યું હતું કે, બિહાર, યુપી અને મહારાષ્ટ્રમાં ચોરીની સરકારો છે. ભાજપને સત્તામાંથી બેદખલ કર્યા વિના અમે ઝંપશું નહીં. પીએમ મોદી અમને ડરાવવા માટે ઈડી જેવી એજન્સીઓનો ઉપયોગ કરે છે પણ અમે ડરવાવાળા નહીં લડવાવાળા છીએ. મોદી જશે તો જ દેશનું લોકતંત્ર બચવાનું છે.

સપાનાં અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે કહ્યું હતું કે, જે લોકોએ લોકતંત્રને નબળું પાડવાનો પ્રયાસ કર્યો તેનાં વિરુદ્ધ વિપક્ષ સંગઠિત બની રહ્યાની જાણ થઈ છે ત્યારથી જનતા પણ અમારી સાથે જોડાવા લાગી છે. જે લોકો એવું નક્કી કરીને આવ્યા છે કે, આ તો અંગદનો પગ છે તે જાણે છે કે, જમીન જ નથી બચી તો હવે પગ ક્યાં રાખશે. ડબલ એન્જિનની સરકારને કાશીની જનતાએ જવાબ આપેલો છે. રાજદ નેતા તેજસ્વી યાદવે પણ કહ્યું હતું કે, દેશમાં બિહારથી વોટચોરી શરૂ થઈ હતી. તેમણે આગળ સ્પષ્ટ કહ્યું હતું કે, મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા સામેના સવાલોને વિપક્ષ દેશની ચર્ચાનાં કેન્દ્રમાં રાખવા માગે છે.

તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનરજીએ સરકાર ઉપર તીખો હુમલો કરતા કહ્યું હતું કે, લોકતંત્રની રક્ષા માટે વિપક્ષ પોતાની લડાઈ જારી રાખશે. અમે હાર્યા નથી પણ હરાવવામાં આવ્યા છીએ. તેમણે જોની જોની યસ પાપાની તર્જ ઉપર બાળકવિતા સંભળાવીને ભાજપને ઘેર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્ઞાનેશ, જ્ઞાનેશ યસ પાપા, વોટ ચોરી કિયા? યસ પાપા. લૂટ કિયા, બીજેપી પાપા, ડાકે કે પીછે કૌન હૈ ? બીજેપી પાપા.

વિપક્ષની આ આક્રમક સભા પછી ભાજપે તેના ઉપર જવાબી હુમલો કર્યો હતો. પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, વિપક્ષની સભામાં અડધું રામલીલા મેદાન ખાલી હતું. દસ લાખ લોકોના દાવાની અસલિયત એ છે કે, 28 હજારમાંથી 5 હજાર જેટલી ખુરશીઓ ખાલી હતી. રાહુલ કહે છે કે, 2024ની ચૂંટણી અવૈધ હતી પણ વાસ્તવમાં 2024માં જ્ઞાનેશ કુમાર સીઇસી હતા જ નહીં. તેઓ તો 2025માં સીઇસી બન્યા હતા. જો 2024ની ચૂંટણી અવૈધ હોય તો તમે વિપક્ષી નેતા પણ અવૈધ છો.

દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, 1984નાં શીખ વિરોધી તોફાનોની વરસીએ દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી પીડિતોનાં જખમ ઉપર મીઠું ભભરાવા સમાન છે. ચંદીગઢમાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ બાદ સભાને સંબોધતા શાહે દિલ્હીમાં રાહુલનો જલસો શીખ રમખાણોના ઘા ઉપર નમકનાં છંટકાવ જેવો છે. તમારે પ્રધાનમંત્રી બનવું હોય તો આખી જિંદગી મોક સંસદમાં જ બેઠાં રહો કારણ કે અસલમાં તમારો નંબર લાગવાનો નથી. ખોટું બોલવું અને અરાજકતા ફેલાવવી વિપક્ષી ફિતરત છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક