નવી દિલ્હી, તા. 31 ઃ કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગને રાહત આપવા માટે કપાસની આયાત પર કસ્ટમ ડ્યૂટીમાં મળતી છૂટ વધુ બે મહિના લંબાવી છે. હવે 31 ડિસેમ્બર 2026 સુધી વિદેશમાંથી કપાસની આયાત કરવા પર કોઈ કસ્ટમ ડ્યૂટી ચૂકવવી પડશે નહીં. અગાઉ આ છૂટ 31 ઓક્ટોબર સુધી જ લાગુ હતી. દેશમાં કપાસની ઓછી આવક અને આગામી સિઝનમાં ઉત્પાદન ઘટવાની આશંકા વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે.
તેનાથી કાપડ મિલો અને ગારમેન્ટ ઉદ્યોગને કાચો
માલ ઓછા ખર્ચે મળી શકશે. નાણા મંત્રાલયે 30 ઓક્ટોબરના રોજ જાહેરનામું નંબર 35/2026-કસ્ટમ્સ દ્વારા આ છૂટનો સમયગાળો લંબાવ્યો છે. અગાઉ સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર 2026 સુધી કપાસની આયાત પર લાગતી 11 ટકા કસ્ટમ ડ્યૂટી નાબૂદ કરી હતી. હવે આ રાહત ડિસેમ્બરના અંત
સુધી ચાલુ રહેશે.
સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે,
જ્યારે દેશમાં કપાસની ઉપલબ્ધતાને લઈને ચિંતા
વધી રહી છે. વર્ષ 2026-27ની સિઝનમાં કપાસનું
ઉત્પાદન ઘટવાની આશંકા છે. ખેતીના વાવેતર વિસ્તારમાં ઘટાડો અને મહારાષ્ટ્ર તથા કર્ણાટક
જેવા મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળની અસરને તેના મુખ્ય કારણો
માનવામાં આવી રહ્યાં છે.
ઉપલબ્ધ
આંકડા પ્રમાણે દેશની મંડીઓમાં દરરોજ આશરે 70 હજારથી 80 હજાર ગાંસડી કપાસની આવક થઈ રહી છે.