નવી દિલ્હી, તા. 14 : દેશનો સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાતા પરેશાન છે, ત્યારે અચરજ પમાડતા આંકડા સામે આવી રહ્યા છે. છૂટકમાં મોંઘવારી પાંચ વર્ષના તળિયે ગયા પછી જથ્થાબંધ મોંઘવારી પણ ઘટીને ત્રણ મહિનાના નીચા સ્તરે ગઈ હોવાનું સરકારે કહ્યું હતું.
કેન્દ્ર સરકારે બુધવારે જારી કરેલા આંકડા અનુસાર, દેશની જથ્થાબંધ મોંઘવારી જુલાઈમાં ઘટીને 2.04 ટકા થઈ હતી. ખાસ કરીને શાકભાજી સહિત ખાદ્ય ચીજોની કિંમતમાં ઘટાડો આવતાં જથ્થાબંધ ફુગાવો ઘટયો છે તેવું સરકાર કહી રહી છે.
જૂન મહિના સુધી જથ્થાબંધ મોંઘવારી લગાતાર ચાર મહિના વધી હતી. જૂનમાં મોંઘવારી 3.36 ટકા હતી. વિતેલા વર્ષે 1.23 ટકા ઘટાડો આવ્યો હતો.
શાકભાજીના ભાવોમાં જૂનમાં 38.76 ટકાના વધારા સામે જુલાઈમાં 8.93 ટકાનો ઘટાડો આવ્યો હતો. જુલાઈમાં ખાદ્ય મોંઘવારી 3.45 ટકા કરી હતી.
શાકભાજી, અનાજ, દાળ અને ડુંગળીની કિંમતોમાં માસિક આધાર પર ઘટાડાના કારણે મોંઘવારી ઘટી હતી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે આંકડા જારી કરતાં જણાવ્યું હતું કે, ત્રણ મહિનાના તળિયે જથ્થાબંધ મોંઘવારી રહી છે.