અમરેલી
ખાતેથી રૂ.292 કરોડના વિવિધ વિકાસકાર્યોનું
લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમરેલીને
રૂ. 42.48 કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બસપોર્ટ અને 25 કરોડના ખર્ચે રાજમહેલના
નવીનીકરણની ભેટ આપતા મુખ્યમંત્રી
અમરેલી,
તા.20 : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી શહેર અને જિલ્લાને રૂ.292 કરોડના વિવિધ
વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોની ભેટ આપી હતી.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતના વિકાસના રોડમેપનો ચિતાર આપતા જણાવ્યુ કે, વડાપ્રધાનએ
એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા બસપોર્ટ આપીને નાગરિકોનું ઇઝ ઓફ લાવિંગ વધારવાની
શરૂઆત કરાવી છે. એ દિશામાં આગળ વધતા આજે અમરેલી ખાતે અત્યાધુનિક બસપોર્ટની શરૂઆત થઈ
છે. અમરેલી ખાતે રૂ.42.48 કરોડના ખર્ચે નિર્મિત બસપોર્ટ અમરેલીવાસીઓ સહિત જિલ્લાના
નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ અત્યાધુનિક એસ.ટી બસ પોર્ટના નિર્માણથી
મુસાફરોને આરામદાયક સુવિધાઓ સાથે સગવડતાભરી મુસાફરીનો લાભ મળી રહેશે. એટલુ જ નહિ, આ
બસપોર્ટ અમરેલી શહેરની એક નવી ઓળખ બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો
જે સંકલ્પ કર્યો છે, તેમાં વિકસિત ગુજરાતનો રોડમેપ નિર્ધારિત કરીને આપણે ઝડપભેર આગળ
વધવાનું છે.
વધુમાં
જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને ભવિષ્યમાં વિકાસકાર્યો
અમલમાં મૂકાવાના છે ત્યારે આ કાર્યો ગુણવત્તાસભર થાય તે માટે નાગરિકો પણ તેની દરકાર
અને કાળજી રાખે તો જ આપણે વિકાસનો જે રોડમેપ નિર્ધારિત કર્યો છે તેને હાંસલ કરી શકશું.
આ ઉપરાંત
અમરેલીના ઐતિહાસિક રાજમહેલનું રૂ. 25 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે તેની
શરૂઆત પણ મુખ્યમંત્રીએ કરાવી હતી. વડાપ્રધાને આપેલા વિકાસ ભી, વિરાસત ભી મંત્રને સાકાર
કરતા આ રાજમહેલનું નવીનીકરણ કરાશે. મુખ્યમંત્રીએ શિક્ષકદિને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
મેળવનાર ચંદ્રેશકુમાર ભોળાશંકર બોરીસાગરનું સન્માન કર્યું હતું.
વિધાનસભા
નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારે-જ્યારે રજૂઆત
કરવામાં આવી ત્યારે ખુલ્લા હૃદયે અમરેલી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં
આવી છે.
સાંસદ
ભરતભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની સહૃદયતા અને સરળતા છે કે, પ્રજાના
ગમે તે કામો લઈને જઈએ તો તે આપણને શાંતિથી સાંભળે છે અને દરેક સમસ્યાનું સમાધાન અને
નિરાકરણ લાવે છે. કોઈપણ પ્રકારના રાગદ્વેશ વગરના નિર્લેપ મુખ્યમંત્રીની કાર્યશૈલીને
તેમણે હૃદયથી બીરદાવી હતી.
ધારાસભ્ય
મહેશભાઈ કસવાલાએ જણાવ્યુ કે, મુખ્યમંત્રીએ આજે સમગ્ર દિવસ દરમિયાન જિલ્લાને અનેકવિધ
વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. જેનાથી અમરેલી જિલ્લાની વિકાસની ગતિ વધુ તેજ થશે.
મુખ્યમંત્રી
ભૂપેન્દ્રભાઈ પટેલે લાઠીના દુધાળા ગામે આવેલા નારણ સરોવરના ટેબલ પોઈન્ટ ખાતેથી ધોળકિયા
ફાઉન્ડેશન દ્વારા જળસંચયના થયેલા કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ મુખ્યમંત્રીએ
ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે જળસંચયના કાર્યોને વેગ આપવા માટે જરુરી પરામર્શ
કર્યો હતો.
ધારી
સફારી પાર્કમાં મુખ્યપ્રધાને સિંહ દર્શન કર્યા
ધારી,
તા.20 : ધારી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ માટે આવેલા મુખ્યપ્રધાને આંબરડી સફારી પાર્કની
મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા હતા. તેમજ ધારી સ્થિત નવી બનેલી ડી.વાય.એસ.પી . કચેરી
તથા પોલીસ આવાસનું પણ લોકાર્પણ કરવામા આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારી
ખાતે ડી.વાય.એસ.પી કચેરી અને પોલીસ આવાસ માટે આવતા મુખ્યમંત્રી ને આવકારવા માટે ધારી
શહેરના નગરજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજ લેહરાવીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી એ પ્રવાસીઓ માટેની સુવિધાઓ નિહાળી સાથે જ આંબરડી સફારી પાર્ક ખાતેના સિંહોના
દર્શન કર્યા હતા.