હેલમેટ,
બેલ્ટ માટે દંડ વસુલવા સદા તત્પર પોલીસ-RTOને હાઈ-વે પર ટ્રાફિક સમસ્યા
દૂર કરવામાં આળસ
જેતપુર-ગોમટા
પાસે ચાર કિલોમીટરની લાઈન, રાજ્યના અન્ય માર્ગો પર પણ લાંબી કતારો
લાખોનો
ટોલ વસુલાય છે તે રસ્તા હજી બિસમાર, વાહનોને થતાં નુકસાનની જવાબદારી કોની ?
રાજકોટ
તા. 5: (ફૂલછાબ ન્યૂઝ) દિવાળીના તહેવારમાં તણાવમાંથી મુક્તિ મેળવવા વિવિધ સ્થળે પ્રવાસ
માટે નીકળેલા લોકોએ ટ્રાફિક પોલીસ અને આરટીઓના તંત્રની બેદરકારીને લીધે ભારે હાલાકીનો
સામનો કરવો પડયો હતો. રાજ્યના અનેક હાઈ-વે પર ટ્રાફિકજામના દૃશ્યો હતા. આ સ્થિતિ માટે
રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ- રસ્તાનું નિર્માણ કરતું તંત્ર પણ જવાબદાર હતું, અનેક
જગ્યાએ વર્ષોથી ચાલી રહેલું રસ્તાનું કામ લાંબા સમયથી પૂર્ણ થયું ન હોવાથી આ સ્થિતિ
સર્જાઈ હતી. લોકોના લાખો રૂપિયાના ઈંધણ અને સમયનો વ્યય થયો હતો.
હાઈ-વે
વર કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલાતો હોવા છતાં દર વર્ષે ચોમાસામાં શહેરી રસ્તાની જેમ
જ હાઈ-વેની સ્થિતિ પણ અત્યંત બિસમાર થઈ જાય છે તે નવી વાત નથી. આ વર્ષે પણ રાજકોટથી
જૂનાગઢ વચ્ચેનો રસ્તો ખાડાવાળો જ છે. રીબડા પાસે અને જેતપુર-પીઠડિયા પાસે એમ તદ્દન
નજીકના લગભગ 40 કિલોમીટરના અંતરે બબ્બે ટોલનાકાં છે પરંતુ જે માર્ગ પરથી પસાર થવા માટે
આ ટોલ વસુલાય છે તે માર્ગમાં છેલ્લા ચાર માસથી મોટા મોટા ખાડા છે. વાહનો એક નિયત ગતિથી
વધારે ઝડપે જઈ શકે તેમ નથી. બેસતાં વર્ષ અને ભાઈબીજે રાજકોટથી સાસણ, સોમનાથ, જૂનાગઢ,
પોરબંદર તરફ જતા વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો તેનું કારણ આ તૂટેલા રસ્તા
અને વચ્ચે વચ્ચે ચાલી રહેલું કામ છે.
ગોમટાથી
જેતપુર વચ્ચે ચાર કિલોમીટર સુધી ટ્રાફિક જામ હતો. વાહનોની લાઈન સતત લંબાઈ રહી હતી. માર્ગ પર એક-બે નહીં પરંતુ
ચાર ચાર લેન થઈ ગઈ હતી. જૂનાગઢ પહોંચતાં સામાન્ય રીતે દોઢ થી બે કલાક થાય તેને બદલે
લોકો સાડાત્રણ ચાર કલાકે પહોંચ્યા હતા. માર્ગ પહોળો કરવાનું કામ ત્યાં ચાલુ હોવાથી
આ સ્થિતિ સર્જાઈ હતી. મહત્વનું એ છે કે શાપર, ગોંડલ, જેતપુર, જૂનાગઢ બધે ઓવરબ્રિજ છે,
બાયપાસ છે છતાં ટ્રાફિકની સમસ્યા છે. રોડ પહોળો કરવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું
છે. કોન્ટ્રાક્ટર્સને કેમ કોઈ કંઈ કહી શકતું નથી ? તે આશ્ચર્ય છે.
આ
સ્થિતિ રાજકોટ અમદાવાદ હાઈ-વે પર ક્યાંક ક્યાંક વચ્ચે હજી છે. તહેવાર દરમિયાન પાલનપુર,
અંબાજી પાસે પણ આવો ટ્રાફિકજામ થયો. લોકોમાં સ્પષ્ટ નારાજગી છે કે શહેરના માર્ગો પર
સામાન્ય માણસોને રોકીને હેલમેટના નિમિત્તે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતું પોલીસતંત્ર,
આરટીઓ તંત્ર, સીટબેલ્ટ ન હોય તો તગડો દંડ વસુલતી ટ્રાફિક પોલીસ હાઈ-વે પર અવારનવાર
સર્જાતી આ સ્થિતિ વખતે ક્યાં હોય છે, ધોરીમાર્ગ પર પણ જરુર પડયે ટ્રાફિક નિયમન કરવું
ન જોઈએ, શું ત્યાં પોલીસ ફક્ત દંડ વસુલવા માટે જ છે ?
જ્યાં
જ્યાં રસ્તાના કામ ચાલુ છે તેના સમયનું મૂલ્યાંકન તંત્ર દ્વારા વખતો વખત થવું જોઈએ.
કેટલા સમયમાં ક્યો રસ્તો કે પૂલ થઈ જવાનો હતો અને કેટલો સમય તેને લાગ્યો તેની તકેદારી
રાખવી જોઈએ અને સતત ચકાસણી થવી જોઈએ. ચોમાસાંમાં રસ્તા તૂટે પછી દીવાળી સુધી તેનું
સમારકામ થતું નથી. જો કે આ વર્ષે વરસાદ પણ હમણા સુધી ચાલુ હતો પરંતુ ટ્રાફિક નિયમન,
માર્ગ-મકાન વિભાગ, આરટીઓ વચ્ચેના સંકલનના અભાવે આ સ્થિતિ સર્જાય છે. અને વાહનોની વધતી
જતી સંખ્યા તો ખરી જ.