• બુધવાર, 12 માર્ચ, 2025

અમેરિકાના ટેરિફ ‘જેવા સાથે તેવા’ : F-35ની ઓફર

મોદી-ટ્રમ્પ વચ્ચે અઢી કલાક મુલાકાત : ગેરકાયદે પ્રવાસીઓ, માનવ તસ્કરી, આતંકવાદ, રશિયા-યુક્રેન યુદ્ધ, ટેરિફ, ખાલિસ્તાન, ભારત પર સખતાઈ, વ્યાપાર, બાંગ્લાદેશ સહિત મુદ્દે ચર્ચા : ટ્રમ્પે મોદીને ગણાવ્યા ટફ નેગોશિએટર, મોદીએ કહ્યું અમારા મળવાનો અર્થ એક અને એક 11

વોશિંગ્ટન ડીસી, તા.14 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફ ભારતને અત્યાધુનિક એફ-3પ ફાઈટર જેટ વેંચવાની ઓફર કરી છે તો બીજીતરફ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ (જેવા સાથે તેવો) લાદ્યો છે. આ ટેરિફ માત્ર ભારત પર જ નહીં પરંતુ દુનિયાના તમામ વ્યાપારિક ભાગીદાર દેશો પર લાદવામાં આવ્યાનું ટ્રમ્પ સરકારે એલાન કર્યુ છે. મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીતમાં ગેરકાયદે પ્રવાસીઓ, માનવ તસ્કરી, આતંકવાદ, રશિયા-યુક્રેન યુદ્ધ, ટેરિફ, ખાલિસ્તાન, ભારત પર સખતાઈ, વ્યાપાર ખોટ, બાંગ્લાદેશ સહિત મુદ્દા ઉઠયા હતા. મોદી સાથે મુલાકાતના બે કલાક પહેલા ટ્રમ્પે જેવા સાથે તેવો ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. મોદી અને ટ્રમ્પની મુલાકાતમાં બંન્ને દેશ ઊર્જા સહયોગ વધારવા સહમત થયા હતા. અમેરિકા ભારતમાં પરમાણું રિએકટરો લગાવવામાં મદદ કરશે. વ્યાપાર ભાગીદારી વધારવા બન્ને દેશ મિશન પ00 હેઠળ કામ કરશે જેમાં વર્ષ ર030 સુધીમાં વ્યાપારને પ00 અબજ ડોલર સુધી પહોંચાડવા લક્ષ્ય છે.

ટ્રમ્પ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદી અમેરિકાથી ભારત આવવા રવાના થયા હતા. આ પહેલા બન્ને નેતા વ્હાઈટ હાઉસ ખાતે અઢી કલાક જેટલો સમય સાથે રહયા અને અનેક મુદ્દે મંત્રણા કરવા સાથે સમજૂતી કરી હતી. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને વખાણતા તેમને પોતાના કરતાં પણ ટફ નેગોશિએટર (સારો ભાવતાલ કરનારા) ગણાવ્યા હતા. જેવા સાથે તેવા ટેરિફ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પોતાની વ્યાપારિક ખોટ ઓછી કરવા કોઈ પણ દેશ પર ટેરિફ લગાવવાથી પીછેહઠ નહીં કરે.

વડાપ્રધાન મોદી શુક્રવારે મોડી રાત્ર 3 વાગ્યે (અમેરિકાના સમય મુજબ) વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને મળ્યા હતા. બંન્નેએ લાંબી મંત્રણા કર્યા બાદ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. ટ્રમ્પે ટેરિફ અંગે કહ્યું કે વડાપ્રધાન મોદી એક ટફ નેગોશિએટર છે. તેઓ તેમના સારા મિત્ર છે અને સારું કામ કરી રહ્યા છે. તેઓ મારા કરતાં પણ સારા નેગોશિએટર છે. જે સાથે તેમણે ભારતને એફ-3પ ફાઈટર જેટની ઓફર કરી અને ર008 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને ભારતને હવાલે કરાશે તેમ કહ્યું હતું. મોદીએ બીજીવાર રાષ્ટ્રપતિ પદે ચૂંટાવા બદલ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા અને કહયું કે એ ખુશીની વાત છે કે તેમને ટ્રમ્પ સાથે બીજીવાર કામ કરવાની તક મળી છે. મારા અને ટ્રમ્પના મળવાનો અર્થ એક અને એક 11 છે. અદાણી મુદ્દે સવાલ પૂછાતાં મોદીએ તેને વ્યક્તિગત મામલો ગણાવી તં અંગે ટ્રમ્પ સાથે કોઈ વાતચીત ન કર્યાનું જણાવ્યું હતું.

આખા બોલા ટ્રમ્પે કહ્યું કે ભારત વધુ ટેરિફ વસૂલવામાં સૌથી ઉપર છે. કેટલાક નાના દેશો છે જે વધુ ટેરિફ વસૂલે છે પરંતુ ભારતનો ટેરિફ ખુબ વધુ છે. મને યાદ છે જ્યારે હાર્લે ડેવિડસન ભારતમાં પોતાની મોટરબાઈક વેચી શકતા ન હતા કારણ કે ભારતમાં ટેક્સ ખુબ વધુ હતો. જેથી હાર્લેએ નિર્માણ બંધ કરવું પડયું. મને લાગે છે કે ટેરિફની ચૂકવણીથી બચવા તેમણે ભારતમાં એક કારખાનું બનાવવું પડશે.

----------------

મોદી-ટ્રમ્પનાં નિવેદનમાં ત્રાસવાદનો ઉલ્લેખ થતાં રઘવાયું બન્યું પાક.

અમેરિકા-ભારતના બયાનને એકતરફી અને ભ્રામક ગણાવ્યું

નવી દિલ્હી, તા. 14 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બેઠકને લઈને પાકિસ્તાન રઘવાયું બન્યું છે. દ્વિપક્ષી શિખર મંત્રણા બાદ ભારત અને યુ.એસ.ના સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થનના મુદ્દાનો પણ ઉલ્લેખ થતાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બયાનને એકતરફી ગણાવીને દાવો કર્યો હતો કે, અમેરિકા અને ભારતનું નિવેદન ભ્રામક છે અને રાજકીય માપદંડોથી વિરુદ્ધ પણ છે. મોદી અને ટ્રમ્પનાં સંયુક્ત નિવેદનમાં મુંબઈના 26 નવેમ્બરના હુમલા તેમજ અફઘાનિસ્તાનમાં બોમ્બમારા જેવા હુમલા રોકવા માટે અલકાયદા, જૈશે મોહમ્મદ, લશ્કરે તોયબા જેવા ત્રાસવાદી સંગઠનો સામેની કાર્યવાહીમાં સહયોગ વધારવા પ્રતિબદ્ધતા દર્શાવાઈ હતી. પાકિસ્તાને 26/11ના અને પઠાણકોટ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ.

આ બયાનથી ઉશ્કેરાયેલા પાકના વિદેશ ખાતાંના પ્રવક્તા શફાકત અલીએ કહ્યું હતું કે, અમને નવાઈ લાગે છે કે, પાકિસ્તાનનાં બલિદાનની ઉપેક્ષા કરીને આવું નિવેદન આપવામાં આવ્યું છે. આવી બધી વાતોથી આતંકવાદને ભારતનાં સમર્થનને છુપાવી શકાય નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025