અનેક સ્થળે પ્રવાસીઓ સાથે ઉઘાડી લૂંટ
સોમનાથમાં
એક સપ્તાહમાં 4.38 લાખ ભાવિકો ઉમટયા, 300 ગેસ્ટ હાઉસ ફુલ
દ્વારકામાં
રસ્તા ન દેખાય એટલી ગાડીઓ, માનવ મહેરામણ ઉભરાયો
રાજકોટ,
તા. 25 : દિવાળીના મિનિ વેકેશનમાં સૌરાષ્ટ્રના હરવા-ફરવાના સ્થળો તેમજ સોમનાથ, દ્વારકા,
જૂનાગઢ સહિતના યાત્રાધામોમાં હકડેઠઠ મેદની
ઉમટી હતી. લોકો ઉમટી પડવાની ધારણા મુજબ જ તંત્રએ અગાઉથી આયોજન વ્યવસ્થા કરી હતી પરંતુ
ટ્રાફિક જામ સહિતની સ્થિતિ નિવારવામાં તંત્રને
પણ પરસેવો વળી ગયો હતો. આ દરમિયાન રિક્ષા ભાડા, ખાનગી વાહનો, રેસ્ટોરન્ટ અને હોટેલ
સહિત અનેક સ્થળે પ્રવાસીઓ સાથે ઉઘાડી લૂંટ જેવી ઘટનાઓ પણ બની હતી.
વેરાવળ-સોમનાથ
: દિવાળીના મિનિ વેકેશન દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના ધામમાં પ્રવાસીઓનું
ઘોડાપૂર ઉમટી પડ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ ગત
તા.17 થી 24 ઓક્ટોબર દરમ્યાન આઠ દિવસમાં કુલ 4.38 લાખ ભાવિકોએ સોમનાથ મહાદેવને શીશ
ઝુકાવ્યું હતું. યાત્રાધામમાં જ્યાં જુઓ ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હરતા ફરતા જોવા
મળતા હતા.
પ્રવાસીઓના
ભારે ધસારાને કારણે સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત ત્રણ સહિત જોડીયા શહેરમાં કાર્યરત
300 જેટલા ગેસ્ટહાઉસ, હોટેલ ફુલ થઈ ગયા હતા. જેમાં નવા વર્ષના દિવસથી ત્રણ દિવસ સુધી
યાત્રાધામમાં પ્રવાસીઓને રૂમો ન મળી રહ્યા હોવાથી ફરજીયાત હોમ સ્ટે જેવા વિકલ્પોનો
સહારો લઈ રાત્રી વિતાવવી પડી હતી.
જેના
કારણે ટ્રસ્ટના બે હજાર વાહનોની ક્ષમતા ધરાવતા વિશાળ પાર્કિંગ સ્થળો પણ પેક થઈ ગયા
હતા. જેથી નજીકના વેણેશ્વર અને સદભાવના ગ્રાઉન્ડ ખાતે વધારાના પાર્કિંગની અલાયદી વ્યવસ્થા
કરવામાં આવી હતી. યાત્રિકોના પ્રવાહને લીધે રોજી રોટી રળતા રિક્ષા ચાલકોથી લઈને ખાણીપીણી,
રમકડા, કપડા સહિતની વસ્તુઓનું વેચાણ કરતા નાના મોટા વેપારીઓ, પાથરણા વાળાઓની દિવાળી
સુધરી ગઈ હોય તેવી રોનક જોવા મળી હતી.
દ્વારકા
: દ્વારકામા આવેલા હોટલ, ધર્મશાળા, ગેસ્ટહાઉસ ભવનો હાઉસફૂલ જોવા મળ્યા હતા. દિપાવલી
તહેવારો તેમજ નવવર્ષના શ્રીજીના વિશેષ શૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા
સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને બહારના યાત્રીકો મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે જગતમંદિર
સંલગ્ન મંદિર ચોક, પૂર્વ દરવાજા, નીલકંઠ ચોક જેવા વિસ્તારો તેમજ ગોમતી ઘાટ, સુદામા
સેતુ, રીલાયન્સ માર્ગ, જોધા માણેક રોડ, તીનબતી ચોક, ભદ્રકાલી ચોક, જવાહર રોડ જેવા વિસ્તારોમાં
સવિશેષ ભીડ જોવા મળી રહી છે. શહેરભરમાં ઠેર ઠેર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી
રહી છે યાત્રાધામમાં આવેલા રેસ્ટોરા તથા હોટલો, ધાબાઓ વગેરેમાં પણ યાત્રિકોની પુષ્કળ
મેદની જોવા મળી રહી છે.
જૂનાગઢ
: સોરઠમાં પ્રકાશપર્વની ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી
કરવામાં આવી હતી. નવા વર્ષથી પ્રવાસીઓ સોરઠ ભણી ઉમટી પડયા હતા.પરિણામે ઉપરકોટ, ભવનાથ,
સક્કરબાગ ઝૂ માં પ્રવાસીઓની ભીડ જામી હતી. રાજ્ય સરકાર દ્વારા સાત દિવસની રજા જાહેર કરાતાં સરકારી કર્મચારીઓ અને
અધિકારીઓમાં અનોખો આનંદ છવાયો હતો.
ચોટીલા
: ચોટીલામાં ચામુંડધામ ખાતે દિવાળીની રજાઓમાં અંદાજે સાત લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શનનો
લાભ લીધો હતો. આવતીકાલે લાભ પાંચમના દિવસે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટશે. રજાના
આ દિવસોમાં એટલી ભીડ હતી કે ટ્રાફિકની સમસ્યા થઈ ગઈ હતી. ત્યારે ચોટીલા તળેટી, પાળિયાદ
રોડ સહિતના સ્થળે સુવિધા ઓછી પડતી હતી. ભાવિકોના પ્રવાહને કારણે ચોટીલાની તમામ ધર્મશાળા,
ગેસ્ટ હાઉસ, હોટલો ફૂલ થઈ ગયા હતા. પ્રવાસીઓ
પાસેથી મનફાવે એ રીતે પૈસા વસૂલાયા હોવાની બુમરાણ ઉઠી હતી. આ દરમિયાન રરર પોલીસ કર્મીએ
તહેવારની મજા છોડીને ફરજ બજાવી હતી.
દીવ
: દીવમાં કિલ્લો, આઈએનએસ ખુકરી, ગંગેશ્વર મહાદેવ, નાગોઆ બીચ, ઘોઘલા બીચ સહિતના સ્થળે
પર્યટકોની ભીડ જામી હતી. દીવ પ્રશાસને પાર્કિંગ અને વન વે રોડનું ખાસ આયોજન કર્યું
હતું.
ધારી
: ધારીના આંબરડી સફારી પાર્ક તેમજ ગલધરા ખોડિયાર ડેમમાં જનમેદની ઉમટી પડી હતી. ગાડીઓનો
જમાવડો જોવા મળ્યો હતો.
બોટાદ
: યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી
મંદિરે ભક્તિભાવની ગંગા વહેતી જોવા મળી હતી. કષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં તૈયાર
કરાયેલા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસન પર ચલણી નોટો વડે અનોખો
શણગાર પણ કરવામાં આવ્યો હતો.
મોરબી,
કચ્છ : દિવાળીની રજાઓમાં કચ્છ પંથકમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટયા હતા. કચ્છના કબરાવ
મોગલ ધામ, મોમાઈ મોરા માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, ભૂજ સહિતના સ્થળ પર ભરચક્ક
ભીડ જોવા મળતી હતી.
સતાધાર,
જૂનાગઢ, વેરાવળ જતી ટ્રેનો ફુલ : મુસાફરો થયા હેરાન
તાલાલા
ગીર : દિવાળીના તહેવારો દરમિયાન તાલાલા થી
સતાધાર,જુનાગઢ તરફ જતી મીટરગેજ પેસેન્જર તમામ ટ્રેનો ફુલ થઈ જતા અનેક મુસાફરો હેરાન
થયા હતા. તમામ મીટરગેજ ટ્રેનોમાં માત્ર ત્રણ
કોચ હતા જેના કારણે દિવાળીના તહેવારો દરમિયાન ઉમટી પડેલા પ્રવાસીઓના કારણે તમામ ટ્રેનો
ભરચક્ક થઈ જતા મુસાફરોએ ઉભા રહીને મુસાફરી કરી હતી. જુનાગઢ-દેલવાડા અને વેરાવળ તરફ
જતી મીટરગેજ પેસેન્જર ટ્રેનો માં તહેવારો દરમિયાન કોચમાં વધારો કરવામાં આવતો નથી જે
બે જિલ્લાના છ તાલુકાની મુસાફર જનતા માટે હેરાનગતિનું કારણ બને છે.