• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

200 આતંકવાદી ઘૂસણખોરી કરવા તૈયાર

કાશ્મીર સરહદે 69 લોન્ચિંગ પેડ્સ : નાપાક ઈરાદા ડામવા BSF સજ્જ

શ્રીનગર, તા.ર : પાકિસ્તાન તરફથી 100-200 જેટલા આતંકવાદીઓ લોન્ચિંગ પેડ્સમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાની રાહ જોઈને બેઠા છે. એલઓસી પરના તમામ 69 સક્રિય લોન્ચિંગ પેડ્સ પર બીએસએફ બાઝ નજર રાખી રહ્યું છે. આતંકવાદી તાલીમ શિબિરો અમારી ગુપ્તચર શાખા દ્વારા તપાસ હેઠળ છે તેમ બીએસએફ કાશ્મીર ફ્રન્ટિયરના આઈજી અશોક યાદવે જણાવ્યું હતું.

સોમવારે બીએસએફના 61મા સ્થાપના દિવસ નિમિત્તે આઈજી અશોક યાદવ પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન જણાવ્યું હતું કે આ વર્ષે કાશ્મીરમાં ચાર ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા જે દરમિયાન આઠ ઘૂસણખોરો માર્યા ગયા હતા અને પાંચ અન્યને ભગાડવામાં આવ્યા હતા. આઈજીના જણાવ્યા અનુસાર 100થી 200 આતંકવાદીઓ હજુ પણ ઘૂસણખોરીની રાહ જોઈ રહ્યા છે. આતંકવાદીઓના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવશે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ બીએસએફએ ગુલમર્ગ બાઉલ સહિત વિવિધ સ્થળોએ સુરક્ષા ગ્રીડનો વિસ્તાર કર્યો છે.

બીએસએફએ અંતરિયાળ વિસ્તારોમાં મજબૂત સુરક્ષા ગ્રીડ જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, ખાસ કરીને અમરનાથ યાત્રા 2025 દરમિયાન. એલઓસી પર અસરકારક રીતે સક્રિય છે. અમારું જી યુનિટ તમામ 69 સક્રિય લોન્ચિંગ પેડ્સ પર નજર રાખી રહ્યું છે. આઈજી યાદવે જણાવ્યું હતું કે બીએસએફએ કાશ્મીર ફ્રન્ટિયર સેનાના સહયોગથી એલઓસી પર પ્રભુત્વ જાળવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક