• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

રાજ્યના 13 લાખ આયુષ્માન કાર્ડ નિક્રિય થતાં અનેક દર્દી ટળવળ્યાં

રાજકોટ સહિત અન્ય શહેરોના દર્દીઓ અને તેમના પરિવારજનો હોસ્પિટલે પહોચ્યાં ત્યારે એકાએક કાર્ડ બંધ થઈ ગયાની જાણ થતાં ચિંતાનો માહોલ

અમદાવાદ, તા. 2: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર બિમારીઓ માટે આશીર્વાદરૂપ આયુષ્યમાન કાર્ડ એકાએક નિક્રિય કરી નાખવામાં આવતા રાજકોટ સહિત રાજ્યના અન્ય શહેરનો હૃદય, ફેફસા, કેન્સર, કિડની સબંધિત બીમારીના દર્દીઓ તેમજ તેમના પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આશરે 13 લાખ જેટલા કાર્ડ હાલમાં ‘ઇનએક્ટિવ’ (બંધ) થઈ ગયા છે. આવકના દાખલાની સમયમર્યાદા અથવા કાર્ડની મુદત પૂરી થવાને કારણે આ કાર્ડ બંધ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં કાલે અનેક દર્દીઓ અને તેમના પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યાં ત્યારે કાંડ બંધ હોવાની જાણ થતાં ચિંતાતુર થઈ ગયાં હતાં. તપાસ કરતા માલુમ પડયું હતું કે, આવકના દાખલાની સમયમર્યાદા અથવા કાર્ડની મુદત પૂરી થવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું. દરમિયાન સરકારે તમામ લાભાર્થીઓને વહેલી તકે કાર્ડ રિન્યુ કરાવી લેવા અનુરોધ કર્યો છે.

રાજ્ય સરકારના ડેટા મુજબ, સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ સમયસર અપડેટ ન કરાવતા તેમના કાર્ડ બંધ થઈ ગયા છે. સરકાર દ્વારા લાભાર્થીઓને મોબાઈલ પર જખજ અને જાહેરાતો દ્વારા વારંવાર જાણ કરવામાં આવે છે, તેમ છતાં જાગૃતિના અભાવે રીન્યુઅલ પ્રક્રિયા બાકી રહી ગઈ છે. આના પરિણામે, જ્યારે કોઈ બીમારી આવે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું થાય છે, ત્યારે પરિવારજનોને કાર્ડ એક્ટિવ કરાવવા માટે છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડે છે. કોઈ ગરીબ કે મધ્યમ વર્ગનો પરિવાર સારવારથી વંચિત ન રહી જાય તે માટે સરકારે આ અપીલ કરી છે.

કાર્ડ સક્રિય કરાવવું શું કરવું પડશે ?

જે લાભાર્થીઓના કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયા છે અને તેઓ હવે તેને ‘જી’ (G) કેટેગરીમાં કન્વર્ટ કરવા માગે છે, તેમના માટે સરકારે ખાસ પ્રક્રિયા જાહેર કરી છે. 1: સૌથી પહેલા તમારું જૂનું ઇનએક્ટિવ કાર્ડ રીન્યુ કરાવવું પડશે. 2: રીન્યુ થયા બાદ તે કાર્ડને સિસ્ટમમાંથી ડિસેબલ (બંધ) કરાવવું પડશે. 3: ત્યારબાદ જ તમે નવી ’જી’ કેટેગરીમાં કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા કરી શકશો. જો તમારું કાર્ડ બંધ થઈ ગયું હોય, તો ગભરાવાની જરૂર નથી. તમે નજીકની સરકારી હોસ્પિટલ, ઈ-ગ્રામ સેન્ટર અથવા ઘરે બેઠા ઓનલાઈન પણ આ પ્રક્રિયા કરી શકો છો. નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવા પડશે. સરકારની સત્તાવાર વેબસાઈટ https://beneficiary.nha.gov.in/ ઓપન કરી તેમાં તમારો મોબાઈલ નંબર નાખી લોગિન કરી અને તમારા PMJAY ID અથવા આધાર નંબર દ્વારા સર્ચ કરવાના રહેશે.. લિસ્ટમાં તમારા નામની બાજુમાં 'Expired' (એક્સપાયર્ડ) લખેલું દેખાશે. તેની બાજુમાં આપેલા એક્શન બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે આધાર કાર્ડ આધારિત E-KYC (ઓનલાઈન વેરિફિકેશન) પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અહીં તમારે નવો અને માન્ય આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક