• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

મોરબી મણીમંદિર પાસે આવેલી વિવાદાસ્પદ દરગાહનું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન

10થી વધુ જેસીબી,2 હિટાચી અને 10થી વધુ ડમ્પરની મદદથી માત્ર અઢી કલાકમાં દરગાહને દૂર કરાઈ

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો

ખોટી અફવા ઉપર ધ્યાન ન આપવા પોલીસ તંત્રની અપીલ

મોરબી, તા.2 : મોરબીમાં મણીમંદિર પાસે આવેલી દરગાહના વિવાદાસ્પદ દબાણ પર આજે તંત્ર દ્વારા ઓચિંતું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અઢી કલાક જેટલા સમયમાં આ દરગાહ તોડી પાડવામાં આવી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મણીમંદિરના પરિસર પાસે આવેલી વર્ષો જૂની એક દરગાહનું દબાણ દૂર કરવા મોરબી માર્ગ મકાન વિભાગ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલની દેખરેખ હેઠળ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ડિમોલિશન આશરે 2:30 વાગ્યાના અરસામાં શરૂ કરવામાં આવ્યું હતું. તેની અડધી કલાક પહેલા જ બેઠો પુલ બંધ ક2ાu દેવામાં આવ્યો હતો. વધુમાં આ ડિમોલિશનના બંદોબસ્ત માટે રાજકોટ અને જામનગરથી પણ પોલીસ બોલાવવામાં આવી હતી. 50 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ 1000 જેટલા પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે મણીમંદિર ઉપરાંત શહેરના બીજા અનેક વિસ્તારોમાં પણ પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યાં હતાં. 10થી વધુ જેસીબી, 2 હિટાચી અને 10થી વધુ ડમ્પરની મદદથી માત્ર અઢી કલાક જેટલા સમયમાં દરગાહ હટાવી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં આવેલા હેરિટેજ મણીમંદિરનાં પરિસરમાં દરગાહના બાંધકામ મુદ્દે વર્ષ 2022માં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રાબિંગ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ મામલે અગાઉ હાઈકોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો હતો. જો કે બાદમાં સ્ટે હટાવી પણ દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દરગાહના દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મોરબી જેલ રોડ પર એ ડિવિઝન પોલીસ મથક પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા જતા. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એકઠા થેલા લોકોને સમજાવટથી દૂર કરી પોલીસ દ્વારા પેટ્રાલિંગ કરવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક