• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

અસલામત સવારી, એરલાઈન્સ હમારી એર ઈન્ડિયાનાં 70 ટકા વિમાનોમાં ટેકનિકલ ખામીઆ

સ્પાઈસ જેટ, ઈન્ડિગો સહિતની કંપનીઓમાં પણ હાલત ખરાબ

નવીદિલ્હી,તા.6: ભારતમાં વિમાન યાત્રા કેટલી અસલામત અને જોખમી નીવડી શકે છે તેનાં ચિંતાજનક આંકડાઓ બહાર આવ્યા છે. એયર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓ અંગે સરકારે સંસદમાં જણાવ્યું છે કે એયરલાઇનના દર 10 વિમાનોમાંથી 7 વિમાનમાં કોઈ ન કોઈ ટેકનિકલ ખામી જોવા મળી છે. તેનો અર્થ એ છે કે એયર ઇન્ડિયાના 70 ટકા વિમાન ટેકનિકલી અસ્વસ્થ છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું કે તમામ એરલાઇન્સમાં સૌથી વધુ ટેકનિકલ સમસ્યા એયર ઇન્ડિયાના વિમાનોમાં જોવા મળી છે. જાન્યુઆરી 2025થી આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધી વિવિધ એરલાઇન્સના કુલ 377 વિમાનોમાં વારંવાર ગડબડ સામે આવી હતી.

નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લોકસભાને એક પ્રશ્નના લખિત જવાબમાં જણાવ્યું કે વારંવાર ગડબડ થતા વિમાનોના મામલે ઈન્ડિગોના 405 વિમાનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધી 148 વિમાનોમાં વારંવાર ક્ષતિઓ જોવા મળી. વિશ્લેષણ કરાયેલા 166 એયર ઇન્ડિયા વિમાનોમાંથી 137 વિમાનોમાં, જ્યારે એયર ઇન્ડિયા એક્સપ્રેસના 101 વિમાનોમાંથી 54 વિમાનોમાં વારંવાર ગડબડ મળી આવી હતી.

આ ઉપરાંત સ્પાઇસજેટના 43 વિમાનોમાંથી 16 વિમાનોમાં વારંવાર સમસ્યાઓ સામે આવી હતી. આંકડાઓ અનુસાર, વિશ્લેષણ કરાયેલા 32 વિમાનોમાંથી કુલ 14 અકાસા એર વિમાનોમાં વારંવાર ગડબડ જોવા મળી. આ સમયગાળા દરમિયાન, વિમાની સલામતી નિયામક નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા 3,890 નિરીક્ષણો કરવામાં આવ્યા હતાં.

છેલ્લા ત્રણ વર્ષોમાં ઉડાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓમાં ઘટાડો થયો છે અને ગયા વર્ષે માત્ર 353 ઘટનાઓ નોંધાઈ. મોહોલે જણાવ્યું કે વર્ષ 2024માં ટેકનિકલ ખામીની કુલ 421 ઘટનાઓ નોંધાઈ, જે અગાઉના વર્ષની 448 ઘટનાઓ કરતાં ઓછા છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય પાસે તમામ વિમાનો અને એરપોર્ટ ઓપરેટર્સ માટે નિયમો અને નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓના પાલનની મોનિટારિંગ માટે એક વ્યવસ્થિત સલામતી મોનિટારિંગ તંત્ર છે. તેમણે જણાવ્યું કે તેના હેઠળ મોનિટારિંગ, અચાનક તપાસ અને નિયમનકારી અૉડિટ કરવામાં આવે છે. આ અૉડિટ દરમિયાન ખામી જોવા મળતી હોય તો એરલાઇન્સ સાથે સંપર્ક કરવામાં આવે છે જેથી અસરકારક અને સુધારાત્મક પગલાં લેવામાં આવી શકે. મંત્રીએ જણાવ્યું કે જો કોઈ નિયમોનું ઉલ્લંઘન અથવા પાલન ન થતાં જોવા મળે, તો કાર્યવાહી કરવામાં આવે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક