• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

વેરાવળમાં ગુજસીકોટના તડીપાર આરોપીના બંધ મકાનને અજાણ્યા શખસોએ સળગાવી દેતા ચકચાર

ચોક્કસ લોકોએ પેટ્રોલ છાંટી આગ લગાવી હોવાનો પરિવારજનાને ગંભીર આક્ષેપ કર્યો : પોલીસે તપાસ હાથ ધરી

વેરાવળ, તા.5 : વેરાવળમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઉભા કરતી ઘટના બની છે. સોમનાથ ટોકિઝ વિસ્તારની મિર્ઝા કોલોનીમાં આવેલા ગુજસીકોટ ગુનાના તડીપાર આરોપીના બંધ રહેણાક મકાનને કથિત રીતે અજાણ્યા શખસો દ્વારા પેટ્રોલ છાંટી સળગાવી દેતા શહેરભરમાં ચકચાર પ્રસરી જાગી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અત્રેની મિર્ઝા કોલોનીમાં યાકુબ મહંમદ તાજવાણીનું મકાન છે. હાલ તેની સામે ગુજસીકોટ હેઠળ તડીપારની કાર્યવાહી થઈ હોવાના કારણે રાજકોટ ખાતે રહે છે. તેનું આ મકાન છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં છે. દરમિયાન બનેલી ઘટના અંગે પરિવારજનોના જણાવ્યા મુજબ યાકુબ તાજવાણીની ગુજસીકોટ હેઠળ ધરપકડ થયા બાદ તેમના પરિવાર પર સામાજિક અને માનસિક દબાણ વધ્યું છે. પરિવારના આક્ષેપ મુજબ યાકુબની પત્ની હલીમા તેમના પ્રેમી સોહિલ ઉર્ફે ચક્કી સાથે ચાલી ગઈ હતી જ્યારે યાકુબનો એક પુત્ર પોતાની નાની પાસે રહે છે.

આગની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી બંધ મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગની તીવ્રતાને કારણે મકાનની સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.  આ ગંભીર ઘટનાને લઈ યાકુબ તાજવાણીના ભાભી આશિયા તાજવાણીએ સ્ફોટક આક્ષેપો કરતા જણાવ્યું કે, કેટલાક ચોક્કસ લોકો દ્વારા મકાનમાં પેટ્રોલ છાંટી ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવી છે.

આ અંગે સીટી પીઆઈ જે.એન.ગઢવીએ જણાવ્યું કે, ઘટના અંગે જાણવાજોગ એન્ટ્રી કરી વિશેષ નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગ અકસ્માતે લાગી કે ઈરાદાપૂર્વક તે જાણવા માટે સીસીટીવી ફૂટેજ, આસપાસના લોકોના નિવેદન અને અન્ય પુરાવાઓ મેળવવા તપાસ ચાલુ છે.

ઇ-પેપરના નવા શુલ્ક