• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

અમદાવાદના આસારામ આશ્રમ પર ફરશે બુલડોઝર

45 હજાર ચો.મી. જમીન પરત લેવા સરકારને હોઇકોર્ટની મંજૂરી

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.5: દુષ્કર્મના કેસમાં હાલમાં સજા કાપી રહેલા આસારામે મોટેરામાં સાબરમતીના કિનારે 45,000 ચોરસવાર જેટલી જમીન પચાવી પાડી હતી. આ વિવાદિત જમીન માટે આજે ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપીને રાજ્ય સરકાર માટે જમીન સંપાદન કરવાનો માર્ગ મોકળો બન્યો છે. આ જમીનની પ્રવર્તમાન બજાર કિંમત રૂ.500 કરોડ થવા જાય છે. આ જમીન પર આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અને ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. 

સરકારે પોતાની દલીલામાં જણાવ્યું હતું કે આ જમીન ફક્ત ધાર્મિક હેતુ માટે આપવામાં આવી હતી. તેમ છતાં ત્યાં અનેક કાયદા વિરુદ્ધની ગુપ્ત પ્રવૃત્તિઓ થતી હતી. વકીલે એમ પણ જણાવ્યું હતું કે  તપાસ દરમિયાન ફાળવેલી જમીન કરતાં ઘણી વધારે જમીન પર વ્યાપક બાંધકામ અને કબજો થયેલો હોવાનું બહાર આવ્યું હતું. રાજ્યના કેસને વધુ વજન આપતી બાબત એ હતી કે આશ્રમે   જાતે જ વારંવાર અનધિકૃત બાંધકામને નિયમિત કરવાની અરજીઓ કરી હતી. સરકારે એવું પણ જણાવ્યું હતું કે જમીન પાછી લેવાનો નિર્ણય ઉતાવળમાં કે અચાનક લેવાયો નથી. આ પહેલા આશ્રમને અસંખ્ય વખત નોટિસો ફટકારવામાં આવી હતી. રાજ્ય સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે જાહેર જમીનને ઇંચે ઇંચે અતિક્રમણ કરીને પછી તેને કાયદેસર બનાવવાનો પ્રયાસ સ્વીકાર્ય હોઈ શકે નહીં.

ઉલ્લેખનીય છે કે આશ્રમમાં ગેરકાયદે બનેલા બાંધકામો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી હતી. તેમજ ગત 21 જાન્યુઆરીના રોજ આશ્રમની ઇમ્પેક્ટ ફી ભરવાની અરજી નામંજૂર કરી હતી અને એપલેટે ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવાની સુચના આપી હતી.

આ ઉપરાંત રાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સર્વેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક