-ઇંગ્લેન્ડ 1998 બાદ પહેલીવાર ટ્રોફી જીતવાના પ્રયાસમાં
હરારે
તા.પઃ ભારતીય યુવા ટીમ શુક્રવારે ઇંગ્લેન્ડ વિરૂધ્ધ ફાઇનલ મુકાબલમાં જયારે મેદાનમાં
ઉતરશે ત્યારે તેનું એકમાત્ર લક્ષ્ય અન્ડર-19 વન ડે વર્લ્ડ કપની ટ્રોફી છઠ્ઠી વખત કબજે
કરવાનું હશે. શાનદાર ફોર્મમાં રમી રહેલ અને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહેનાર
ભારતીય ટીમને ખિતાબી મુકાબલામાં ફરી એકવાર તેના આક્રમક બેટધરો પાસેથી સારા દેખાવની
આશા રહેશે. આયુષ મ્હાત્રેના સુકાનીપદ હેઠળની ભારતીય યુવા ટીમે સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાન
સામે 300 ઉપરનો વિજય લક્ષ્યાંક સર કરી ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ વિજયથી ભારતીય ટીમના
મનોબળમાં વધારો થયો છે. બીજી તરફ ઈંગ્લેન્ડ ટીમ સેમિમાં ઓસ્ટ્રેલિયાને હાર આપી ખિતાબી
જંગમાં પહોંચી છે. તેની બેટિંગ અને બોલિંગ લાઇન અપ મજબૂત છે. આથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે
ફાઇનલમાં કાંટે કી ટકકર થશે.
પાંચ
વખતની પૂર્વ ચેમ્પિયન ભારતીય ટીમે છેલ્લે અન્ડર-19 વન ડે વર્લ્ડ કપનો ખિતાબ 2022માં
જીત્યો હતો. આ વખતે ટૂર્નામેન્ટની શરૂઆતથી ભારતીય ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી
હતી અને હવે છઠ્ઠા ખિતાબથી એક જીત દૂર છે. ભારતીય ટીમને તેના સ્ટાર બેટર અને વન્ડરબોય
વૈભવ સૂર્યવંશી પાસેથી ફાઇનલમાં વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. તેણે ફાઇનલમાં આતશી અર્ધસદી
ફટકારી હતી. કપ્તાન આયુષ મ્હાત્રે, એરોન જોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી અને
વિકેટકીપર અભિજ્ઞાન કુંડુ પણ શાનદાર ફોર્મમાં છે. દીપેન દેવેન્દ્ર, હેનિલ પટેલ અને
આર. એસ. અબ્રિશની હાજરીથી ભારતની ઝડપી બોલિંગ મજબૂત છે. સ્પિનર કનિષ્કા ચૌહાણ અને ખિલન
પટેલની ભૂમિકા મહત્વની બની રહેશે.
બીજી
તરફ ઇંગ્લેન્ડ યુવા ટીમને 1998 પછીથી અન્ડર-19 વર્લ્ડ કપના પહેલા ખિતાબની શોધ છે. પાછલા
લગભગ અઢી દશકથી ઇંગ્લેન્ડ ટીમ આ ટ્રોફી જીતી શકી નથી. તે ટ્રોફીનો દુકાળ સમાપ્ત કરવા
કોઇ કસર બાકી રાખશે નહીં.